ગુજરાતમાં ટ્યૂશન ક્લાસીસ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ
કોરોના મહામારી વચ્ચે પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં ક્લાસીસ શરૂ થવા જઈ રહ્યાં છે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ક્લાસીસમાં સેનેટાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાશે. તેમજ શાળાની જેમ ક્લાસીસ સંચાલકો પણ વાલીઓ પાસે લેખિત સંમતિપત્ર માગવાનો ટ્યુશન ક્લાસ સંચાલકોએ ર્નિણય કર્યો છે. તો ક્લાસીસ દ્વારા એસઓપીનું ચૂસ્ત પાલન કરવામાં આવશે. પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં કલાસીસ શરૂ થશે. રાજ્યમાં ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ના વર્ગોનું શિક્ષણકાર્ય કોવિડ તકેદારી સાથે શરૂ કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ ર્નિણયની જાણકારી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હતી અને ઉમેર્યું હતું કે, ધોરણ ૯થી ૧૨ પૂરતા ટ્યુશન ક્લાસ પણ કોવિડની તકેદારી સાથે શરૂ કરી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે સ્પર્ધાત્મક પરિક્ષા માટેના કોચિંગ કલાસ પણ શરૂ કરી શકાશે. કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જાહેર કરેલી માર્ગદર્શિકા એસઓપીનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે. ચુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કોરોના મહામારી વચ્ચે ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થયા બાદ હવે આગામી ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થવા જઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સ્કૂલો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને શાળા દ્વારા બેઠક બોલાવીને વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ વિદ્યાર્થીઓને ઓલ્ટરનેટ બોલાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે વિદ્યાર્થીઓને રિશેષ આપવામાં નહી આવે.
Recent Comments