ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ત્રણ મુખ્ય સહાયક એકમોની ભારત અધ્યક્ષતા કરશે
અમે આતંકવાદ સામે લડવામાં સૌથી આગળઃ ભારત
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ત્રણ મુખ્ય સહાયક એકમોની અધ્યક્ષતા કરશે. જેમાં તાલિબાન પ્રતિબંધ સમિતિ, આતંકવાદ વિરોધી સમિતિ(૨૦૨૨ માટે) અને લીબિયા પ્રતિબંધ સમિતિ શામેલ છે. આની માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આપી છે. ટીએસ તિરુમૂર્તિએ શુક્રવારે (૮ જાન્યુઆરી)એ કહ્યુ છે કે જ્યારે લીબિયા અને શાંતિ પ્રક્રિયા પર આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રીત હશે ત્યારે ભારત એક મહત્વપૂર્ણ વળાંક પર લીબિયા પ્રતિબંધ સમિતિની ખુરશીને સંભાળશે. ટીએસ તિરુમૂર્તિએ કહ્યુ, ભારત ૨૦૨૨માં યુએનએસસીની આતંકવાદ વિરોધી સમિતિની પણ અધ્યક્ષતા કરશે. આ સમિતિની અધ્યક્ષતા ભારત માટે એક વિશેષ પ્રતિનિધિત્વ છે. જે સીમાપારના આતંકવાદ સામે લડવામાં સૌથી આગળ છે અને આતંકવાદના સૌથી મોટા પીડિતોમાંનો પણ એક છે. ટીએસ તિરુમૂર્તિએ કહ્યુ કે તાલિબાન પ્રતિબંધ સમિતિ હંમેશાથી ભારત માટે પ્રાથમિકતા રહી છે. તેમણે કહ્યુ કે તાલિબાન પ્રતિબંધ સમિતિ હંમેશાથી અફઘાનિસ્તાનના શાંતિ, સુરક્ષા, વિકાસ અને પ્રગતિ માટે આપણા મજબૂત હિત અને પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને ભારત માટે પહેલી પ્રાથમિકતા છે.
ભારત ઓગસ્ટ ૨૦૨૧માં અને પછી ૨૦૨૨માં યુએનએસસીની અધ્યક્ષતા કરશે. યુએનએસસીની અધ્યક્ષતા દરેક સભ્ય દ્વારા એક મહિના માટે કરવામાં આવે છે. ભારત ઉપરાંત કેન્યા, મેક્સિકો, આયરલેન્ડ અને નૉર્વે બિન સ્થાયી સભ્ય તરીકે યુએનએસસીમાં શામેલ થયા છે.આ દરમિયાન ભારતનો તિરંગો ન્યૂયોર્ક સિટીના સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આ સપ્તાહથી લહેરાવા લાગ્યો છે. ટીએસ તિરુમૂર્તિએ કહ્યુ હતુ કે આ મારા દેશ માટે અને મારા પ્રતિનિધિમંડળ માટે ગર્વની ક્ષણ છે.
Recent Comments