ભાવનગરમાં ભૂવાએ મહિલાને વિધિ કરવાના બહાને હવસનો શિકાર બનાવી
તાંત્રિક, મેલી વિદ્યા, ભૂવા વગેરેથી દૂર રહેવા માટે અનેકવાર લોકોને સમજાવવામાં આવે છે છતાં પોતાની તકલીફોના સમાધાન માટે ભટકતી પીડિત વ્યક્તિને મેલી વિદ્યાની આંટી ઘૂટીમાં ફસાવી દેતા હોય છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે જ્યાં ભૂવાએ એક મહિલાને વિધિ કરવાના બહાને શિકાર બનાવી છે.
ભાવનગરના બનેલી સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. તળાજાના ઈસોરા ગામમાં ભૂવાએ યુવતીની વિધિ કરવાના બહાને તેના કપડા ઉતારાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં ભૂવાને પોલીસે ઝડપી લીધો છે. આ ઘટનામાં મૂળ મધ્યપ્રદેશની યુવતી શિકાર બની છે.
રિપોટ્ર્સ પ્રમાણે પીડિત યુવતીનો મજૂરી કામ કરતો પરિવાર કાંતિ શિયાળ નામના ભુવાના સંપર્કમાં આવ્યા બાદ દંપત્તીએ પોતાની અને પોતાના બાળકની તકલીફ વિશે વાત કરી હતી. જેમાં પતિએ પોતાને સપનામાં સાપ અને ધન દેખાતું હોવાની વાત કરી હતી. તો પીડિત પત્નીએ પોતાને ડાકણ સપનામાં આવતી હોવાની વાત કરી હતી. આ પછી ભૂવાએ પત્નીને વળગણ વળગ્યું હોવાનું કહીને વિધિ કરવાની વાત કરી.
વિધિ ફરજિયાત હોવાનું કહ્યા બાદ ભૂવાની વાતોમાં આવેલા પરિવારે પરિણીતાની વિધિ માટે તૈયારી બતાવ્યા બાદ ૨૯ ડિસેમ્બરના દિવસે કાંતિ નામનો ભૂવો ઘરે આવ્યો અને તેણે એકાંતમાં વિધિ કરવાનું કહીને મહિલાના પતિ, દિયર અને બે બાળકોને બહાર જઈને રાહ જાેવા માટે કહ્યું હતું. આ પછી ભૂવાએ મહિલાને મંત્રેલો દોરો પહેરાવવા માટે માપ લેવું પડશે તેમ કહીને તેના કપડાં ઉતરાવ્યા હતા. આ દરમિયાન તેણે મહિલાને ભ્રામક વાતો તરફ દોરીને તેની સાથે શારીરિક સુખ માણ્યું હતું.
અટધો કલાક પછી જ્યારે ભૂવાએ પરિવારને મહિલાને મળવાની મંજૂરી આપી પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાએ ભૂવાની વાતોમાં આવ્યા પછી તેની સાથે શું થયું તે અંગે પોતાના પતિને જણાવ્યું. પતિએ આ ઘટના અંગે તળાજા પોલીસને જાણ કરતા પોલીસે વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચરનારા કાંતિ શિયાળની ધરપકડ કરી હતી.
Recent Comments