fbpx
ગુજરાત

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડો. ધનસુખ ભંડેરીએ વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકામાં વિકાસ કામોની કરી સમીક્ષા

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડો. ધનસુખ ભંડેરી એ જણાવ્યું છે કે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા બેઠક વડોદરા ખાતે સમાજકાર્ય ભવનના સભાગૃહમાં યોજાઈ હતી. જેમાં તેમણે શહેરીજનોની સુખાકારીના કામોમાં બિનજરૂરી વિલંબ ટાળીને તેને બનતી ત્વરાથી પૂર્ણ કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં ડો. ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૨૦૧૧ના વસતી ગણતરીના આંકડા મુજબ ૪૨.૫૮ ટકા લોકો શહેરોમાં વસે છે. તેથી શહેરીકરણની પ્રક્રીયામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓને વધુ લોકભોગ્ય નક્કર આયોજનો સાથે આકાર આપવામાં આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમૃત યોજના જેવી અનેક યોજનાઓ લોન્ચ કરીને શહેરી વિકાસને નવી દિશા આપી છે. તો ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરી અને ગામડાઓ, એમ બન્નેનો સુગઠિત અને સમતોલ વિકાસ થાય, એ બાબત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રાજ્યની નગરપાલિકાઓમાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા ઉપલબ્ધ સેવાઓને વધુ સંગીન બનાવવા માટે આંતરમાળખાકીય સેવાઓ ઉભી કરવામાં આવી રહી છે. શહેરી ગરીબોનો સામાજિક અને આર્થિક વિકાસ કરીને તેમનું જીવન ધોરણ ઊંચુ લઇ જવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડી અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં બોર્ડ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ અને મહાપાલિકાઓને કૂલ રૂ. ૩૮૪૨૭ કરોડની ગ્રાંટ ફાળવી છે. ચાલુ વર્ષનું બજેટ રૂ. ૮૪૬૨ કરોડનું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે શહેરી વિકાસના કામો માટે રૂ. એક હજારના કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધાના કામો જેવા કે રસ્તા , ટ્રાફિક સર્કલ, ભૂગર્ભ ગટર, ટ્રાફિક સર્કલ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો માટે રૂ. ૧૨૨૦૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તે પૈકી રૂ. ૧૨૧૬૮ કરોડના ૨૫૧૨૬ કામો મંજૂર કરાયા છે. જ્યારે , રૂ. ૬૭૫૭ કરોડના ૨૦૯૬૦ કામો પૂર્ણ થયા છે. ખાનગી સોસાયટીના જનભાગીદારીના રૂ. ૧૫૮૮ કરોડના ૩૩૭૦૪ કામો પૂર્ણ થયા છે. જ્યારે રૂ. ૨૯૬૩ કરોડના ૩૪૯૩૮ કામો મંજૂર કરાયા છે.
વડોદરા ઝોનની નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને શીખ આપતા ડો. ભંડેરીએ કહ્યું કે , જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવે તે જ વખતે કામો પૂર્ણ કરવાની અને લોકાર્પણની તારીખ સુનિશ્ચિત કરવાની પ્રથા રાખવી જાેઇએ. તેની સાથે કામની ગુણવત્તામાં નિયત ધોરણો જળવાઇ તે માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવું જાેઇએ. ગુણવત્તા માટે નિયમાનુસારની ખાતરી મળવી જાેઇએ. તેમણે નગરપાલિકાઓના વીજ વપરાશનું ઓડિટ કરાવવા સૂચના આપી હતી.
બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી શ્રી બી.સી.પટણીએ વડોદરા ઝોન હેઠળની ૨૬ નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટ સંબંધિત કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વિભાગીય મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી પ્રશસ્તિ પારિકે સૌનો આવકાર કરતા જણાવ્યું કે રાજ્યમાં ૪૨ ટકા ઉપરાંત વસ્તી શહેરોમાં વસવાટ કરે છે ત્યારે રાજ્ય સરકાર શહેરોના સર્વાગી વિકાસ માટે સજાગ છે.મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા શહેરોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે વડોદરા ઝોનની નગરપાલિકાઓને વિકાસ કામો માટેની તાંત્રિક અને વહીવટી મંજૂરીઓ ઝડપથી મળે તે માટે પ્રક્રિયાનું સરળીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ૧૦૦ દિવસના મહત્વકાંક્ષી કાર્યક્રમ હેઠળ વડોદરા ઝોનની સાત નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ પર લેવામાં આવ્યું છે.
આ બેઠકમાં બોર્ડના સચિવશ્રી દરજી , અધિક કલેકટરશ્રી ગોપાલ બામણિયા , નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસરો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts