અમરેલી

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ : અમરેલી જિલ્લાને રાજ્ય કક્ષાના પ્રતિષ્ઠિત “ઓવરઓલ એક્સેલન્સ” એવોર્ડનું સન્માન      

દર વર્ષે ૩૧મી મે ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી હાથ ધરવામાં આવે છે. આ વર્ષની થીમ : Unmasking the appeal-Countering Nicotine and Tobacco Addiction છે. આ થીમ અંતર્ગત દેશવ્યાપી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ (DTCC) અમરેલીના અથાગ પ્રયાસો અને આયોજનબદ્ધ જનજાગૃત્તિ અભિયાનના ભગીરથ પ્રયાસ થકી જિલ્લાને રાજ્ય કક્ષાના પ્રતિષ્ઠિત “ઓવરઓલ એક્સેલન્સ” એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે. ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે આ રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ સેવા અને સમર્પણ દાખવવા બદલ તમાકુ નિયંત્રણ સેલના કર્મચારીઓને વિશેષરૂપે સન્માનિત કરી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. 

જિલ્લામાં નાગરિકો વ્યસનમુક્તિ મેળવીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે તે માટે વર્ષભર વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તમાકુના દૂષણ સામે લોકજાગૃતિ લાવવા માટે કુલ ૧૧ જેટલી તમાકુ નિષેધ રેલીઓ યોજાઈ હતી, જેમાં ૬૬૫ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફોકસ ગૃપ ડિસ્કશન (FGD)/શિબિર હેઠળ સામુદાયિક સ્તરે ઊંડાણપૂર્વક સમજણ આપવા માટે ૫૦ જેટલી શિબિરોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૧,૯૫૩ નાગરિકો સહભાગી બન્યા હતા. તમાકુ મુક્તિ માટે જિલ્લામાં રેકોર્ડબ્રેક ૩૧૪ જેટલા તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમો યોજીને ૫,૯૪૨ લોકોને વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

યુવા પેઢી અને બાળકોને નાની ઉંમરથી જ તમાકુના ઝેરી પ્રભાવથી બચાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો મળીને કુલ ૭૭૮ શૈક્ષણિક સંસ્થાઓમાં “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI) ના કડક નવ મુદ્દાઓ લાગુ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિત્ર સ્પર્ધા, સાઈનેજ બેનરોનું પ્રદર્શન યોજીને જનજાગૃત્તિ વધારવામાં આવી હતી.

માત્ર સમજાવટ જ નહીં, પરંતુ કાયદાનું કડક પાલન કરાવીને પણ વહીવટી તંત્ર દ્વારા શિસ્ત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ (COTPA) ની વિવિધ કલમો હેઠળ જાહેરમાં ધૂમ્રપાન કરનારા કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કુલ ૧,૫૩૨ કેસો દાખલ કરવામાં આવ્યા હતા. કુલ રૂપિયા ૧,૫૦,૨૫૫નો દંડ વસૂલ કરી કાયદાનું પાલન કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

જિલ્લાના કુલ ૨,૮૪૯ લોકોને તમાકુનું વ્યસન હંમેશા માટે ત્યજીને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું છે. શાળા-કોલેજના બાળકો આ કુટેવથી દૂર રહે તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૮૭ વ્યક્તિગત સંપરામર્શ અને જૂથ ચર્ચાઓ યોજવામાં આવી હતી.

ગ્રામીણ સ્તરે અમરેલી જિલ્લાએ જે ઈતિહાસ રચ્યો છે, તે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે.  જિલ્લાના ૬૨૬ ગામોની ૬૦૩ ગ્રામ પંચાયતોમાં “સ્મોક ફ્રી વિલેજ” (ધૂમ્રપાન મુક્ત ગામ) ના કડક માપદંડો અનુસરવા માટે સત્તાવાર ગ્રામસભાના ઠરાવો પસાર કરાવવામાં આવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આ સિદ્ધિ માત્ર અમરેલી જિલ્લાએ જ હાંસલ કરી છે. આ ૬૨૬ ગામોમાં યોજાયેલા તમાકુ નિષેધ સંકલ્પ અને વ્યાપક વ્યસનમુક્તિ કાર્યક્રમોમાં કુલ ૧૮,૮૪૭ ગ્રામજનો સીધા જોડાઈને જનઆંદોલનમાં સહભાગી બન્યા હતા.

‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૩.૦’ (TFYC 3.0) અને ‘નશામુક્ત ભારત અભિયાન’ (NMBA) અંતર્ગત હજારો યુવાનોને ઓનલાઈન તેમજ ઓફલાઈન માધ્યમથી વ્યસનમુક્તિના ડિજિટલ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જેના થકી જનજાગૃત્તિ પ્રસરાવવામાં મદદ મળી છે.

Related Posts