ભાવનગર

ઉનાળામાં મેદસ્વિતા નિવારણ: ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાં વજન વધારે છે, કુદરતી પીણાં ચરબી ઓગાળવામાં શ્રેષ્ઠ

ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનની સાથે શરીરમાં પ્રવાહીની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે.
આ સમયે તરસ છિપાવવા માટે લેવાતા પીણાંની પસંદગી જ વ્યક્તિના વજન અને મેદસ્વિતા (Obesity) નું
ભવિષ્ય નક્કી કરે છે. આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ, ઉનાળો એ વજન ઘટાડવા માટે સર્વશ્રેષ્ઠ ઋતુ છે,
પરંતુ બજારમાં મળતા ખાંડયુક્ત આર્ટિફિશિયલ પીણાં વજન ઘટાડવાના બદલે વધારવાનું મુખ્ય કારણ
બની રહ્યા છે.
મેદસ્વિતાનું છુપાયેલું કારણ બજારમાં મળતા કોલ્ડડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, આઈસ્ક્રીમ અને બરફના
ગોળામાં ભારે માત્રામાં ‘હાઈ-ફ્રુક્ટોઝ કોર્ન સિરપ’ (એક પ્રકારની ખાંડ) અને સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ પીણાં
પીવાથી પેટ ભરાયાનો અહેસાસ થતો નથી, જેના કારણે વ્યક્તિ અજાણતા જ સેંકડો ‘લિક્વિડ કેલરી’
શરીરમાં પધરાવી દે છે. આ ખાંડ લોહીમાં ઇન્સ્યુલિનનું સ્તર અચાનક વધારે છે, જે લિવરની આસપાસ અને
પેટ પર ચરબી જમા કરવાનું કામ કરે છે. પરિણામે મેદસ્વિતા ઝડપથી વધે છે.
ચરબી ઓગાળવાનું કુદરતી માધ્યમ મેદસ્વિતાથી બચવા અને વજન નિયંત્રિત કરવા માટે
આયુર્વેદિક અને કુદરતી પીણાં શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં મોળી છાસ કેલરીમાં અત્યંત ઓછી અને પ્રોબાયોટિક
ગુણોથી ભરપૂર હોઈ આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને ચરબીનો સંગ્રહ અટકાવે છે. વિટામિન-C અને
એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર લીંબુ પાણી શરીરના ઝેરી તત્વો (Toxins) બહાર કાઢી ફેટ બર્નિંગ પ્રોસેસને
વેગ આપે છે. પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર નાળિયેર પાણી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે

છે અને ઓવર-ઈટિંગથી બચાવે છે. ફુદીનાનું શરબત અને જીરા પાણી, આ બંને પાચન ઉત્સેચકોને સક્રિય
કરી મેટાબોલિક રેટ વધારે છે, જેથી શરીરમાં કેલરી ઝડપથી બર્ન થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ઉનાળામાં આર્ટિફિશિયલ ગળપણના બદલે કુદરતી પીણાંમાં ચપટી સંચળ
(કાળું મીઠું) અથવા શેકેલું જીરું ઉમેરીને પીવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહેશે અને મેદસ્વિતાથી
સરળતાથી મુક્તિ મેળવી શકાશે. આ ઉપરાંત નિષ્ણાંત ડાયટેશીયનની મદદથી શરીરને માફક આવતા
પીણાં અંગે અભિપ્રાય લેવો હિતાવહ છે.

Related Posts