અમરેલી

વિશ્વ પર્યાવરણ દિવસે માત્ર ઇકો-ફ્રેન્ડલી વાહનોનો જ ઉપયોગ કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, પર્યાવરણની જાળવણી અને માનવજીવનના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે એક જવાબદાર સંસ્થા તરીકેની નૈતિક જવાબદારી સમજીને અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને અનુકરણીય પહેલ કરવામાં આવી છે.

આગામી સમયમાં પર્યાવરણની સુરક્ષા તેમજ વર્તમાન સંજોગોમાં ઈંધણની અછતને પહોંચી વળવા માટે અમરેલી ન્યાયતંત્રના વડા શ્રી રીઝવાનાબેન બુખારી દ્વારા બે મહત્વના પરિપત્રો જાહેર કરીને સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

આગામી તા. ૦૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે માત્ર ઇકો-ફ્રેન્ડલી વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે. રોજબરોજના પરિવહનમાં ઈકો-ફ્રેન્ડલી સાધનોનો વપરાશ વધે તેવા શુભ આશય સાથે એક નવતર વિચાર અપનાવવામાં આવ્યો છે. આ દિવસે અદાલતમાં આવવા-જવા માટે માત્ર સાયકલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ અનોખી ઝુંબેશમાં અમરેલી જિલ્લાના તમામ ન્યાયાધીશ, કોર્ટના સ્ટાફ મેમ્બર્સ, બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ, પેનલ એડવોકેટ્સ, એલ.એ.ડી.સી. તેમજ પી.એલ.વી. જોડાઈને પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે.

સાથે પક્ષકારોની ગેરહાજરીમાં કેસ ચલાવી આર્થિક રાહત આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઈંધણની કરકસર કરવાના ભાગરૂપે જિલ્લાની તાબાની તમામ કોર્ટોમાં ચાલતા કેસો પૈકી, જે કેસો પક્ષકારોની ગેરહાજરીમાં ચલાવી શકાય તેમ હોય, તેમાં પક્ષકારોની રૂબરૂ હાજરીનો આગ્રહ રાખવામાં આવશે નહીં. આ નિર્ણયના કારણે કોર્ટમાં આવતા પક્ષકારોના બિનજરૂરી ફેરા ટળશે, જેનાથી પેટ્રોલ-ડીઝલની મોટી બચત થશે અને સામાન્ય જનતાને આર્થિક રાહત પણ મળશે.

જિલ્લા ન્યાયતંત્રના આ ભગીરથ પ્રયાસોનો મુખ્ય હેતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. ન્યાયતંત્રની આ નવતર પહેલને વકીલ મંડળ અને સ્ટાફ તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, જે સમગ્ર સમાજ માટે એક દિશાચૂચક પગલું સાબિત થશે તેમ ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts