લાઠીના વિચરતી વિમુક્ત જાતિના ૧૮ પરિવારોને કલેક્ટર દ્વારા પ્લોટની ફાળવણી
પ્લોટધારકો રહેણાંક હેતુ સિવાય અન્ય કોઈ ઉપયોગ કરી શકશે નહિ
નગરપાલિકા પાસેથી રજા ચિઠ્ઠી માંગી ૬ માસમાં બાંધકામ શરુ કરી ૩ વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે
અમરેલી જિલ્લાના લાઠીના વિચરતી વિમુક્ત જાતિના ઝુંપડા બાંધીને રહેતા ૧૮ પરિવારો માટે ગઈકાલનો દિવસ ખુશીનો દિવસ હતો. જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા આ પરિવારોને લાઠીના ૬૬ કેવી સબ સ્ટેશન પાછળ મફત પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ પરિવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ પ્લોટ ઉપર પોતાનું મકાન બનાવી હવે સ્થાયી જીવન પસાર કરો. આગામી દિવસોમાં આ પરિવારોના રોજગારી મળે, તેઓના બાળકો શિક્ષિત બને અને તેઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળે એ દિશામાં કાર્ય કરવા સ્થાનિક તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ ગરીબ પરિવારો માટે જમીન શોધવાથી માંડી પ્લોટ ફાળવણીની તમામ કાર્યવાહી પૂર્ણ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે જિલ્લા કલેક્ટર દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવી હોવાથી તેનો ઓર્ડર આપી આગામી સમયમાં પાણી તથા લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પુરી પડી રહે તે માટેનો આદેશ સબંધિત ખાતાને લેખિતમાં કરી દેવાયો છે. આ પ્લોટની ફાળવણી બાદ અતિ પછાત વર્ગના લોકોને સરકાર દ્વારા જમીનની ફાળવણીથી આનંદ છવાયો છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ જમીન ઉપર માત્ર રહેણાંક હેતુથી માટે મકાન બાંધવા સિવાય કોઈ અન્ય ઉપયોગ થઇ શકશે નહિ. પ્લોટધારકોએ ૧૫ દિવસમાં લાઠી નગરપાલિકા પાસેથી રજા ચિઠ્ઠી માંગી ૬ માસમાં બાંધકામ શરુ અને ૩ વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે. સ્થાનિક વહીવટી તંત્રએ આ તમામ કાર્યવાહી પૂર્ણ કરી ૧૫ દિવસમાં જિલ્લા કલેકટરશ્રીને રિપોર્ટ કરવાનો રહેશે.
Recent Comments