લોકોનો પ્રશ્નઃ સામાન્ય લોકો પાસે કડકાઈથી દંડ લેતી પોલીસ આવા મુદ્દે ચુપ કેમ?
સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યક્રમોમાં કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા
સુરત મહાનગરપાલિકાની ચુંટણી પહેલાં સુરતમાં રાજકીય પક્ષોએ કોવિડના નિયમોના ભંગ માટે સ્પર્ધા શરૂ કરી દીધી હોય તેવો માહોલ થઈ રહ્યો છે. સુરતમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના નતાઓ જાહેરમાં મેળાવડા કરી નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યાં છે. રાજકીય પક્ષોના નિયમોના ભંગ સામે પોલીસ આંખ આડા કાન કરે છે પરંતુ સામાન્ય લોકો નાનકડી પણ ભુલ કરે તો પોલીસ આકરો દંડ કરે છે. પોલીસની આવી વિવાદી કામગીરીના કારણે સુરતીઓમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા, સરકાર અને પોલીસે બનાવેલી ગાઈડ લાઈનનો અમલ લોકો પાસે સખ્તાઈથી કરાવવામાં આવી રહ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્ક વિના લોકો હોય તો પોલીસ એક હજાર રૃપિયા સુધીનો દંડ કરે છે.
કોઈ દુકાન કે લગ્નમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થાય તો પોલીસ કેસ અને પાલિકા આકરો દંડ પણ કરી રહી છે. કોરોના અટકાવવા માટે પોલીસ-પાલિકાની આ કામગીરી સામે લોકોને વિરોધ નથી પરંતુ બીજી તરફ રાજકારણીઓ નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યા છે તેમાં પોલીસ કે પાલિકા કોઈ કામગીરી કરતી નથી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની હાજરીમાં મજુરા વિધાનસભાના ભરથાણા પાર્ટી પ્લોટમાં ભાજપના પેજ પ્રમુખને કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ પાટીલને ૧૮૨ સમાજના આગેવાનો દ્વારા ૧૮૨ ફુટની માળા પહેરાવીને ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક જીતે તેવી શુભેચ્છા આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રમુખ, ધારાસભ્ય અને લોકો માસ્ક વિનાના જાેવા મળ્યા હતા તે ફોટા ભાજપના જ નેતાઓએ સોશ્યલ મિડિયામાં વાઈરલ કર્યા હતા. તો બીજી તરફ ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીનો કાર્યક્રમ પણ સુરતમાં કરવામાં આવ્યો હતો જેમાં પણ કોવિડની ગાઈડ લાઈનનો ભંગ થયો હતો અને નેતાઓ માસ્ક વિના જાેવા મળ્યા હતા. રાજકારણીઓની આ પ્રકારની હરકતના કારણે હાલ માંડ કાબુમાં આવેલો કોરોનાનો ફરીથી વિસ્ફોટ થાય તેવી ભીતી છે. બીજી તરફ પોલીસ અને પાલિકા સામાન્ય લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ન્ટન્સના મુદ્દે હેરાન કરી દંડ વસુલી રહી છે તેથી પણ લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
Recent Comments