ગુજરાત

સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ તરીકે 301 નવ યુવાઓ રાજ્ય સરકારની સેવામાં જોડાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાણામંત્રીની ઉપસ્થિતિ માં ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા

મુખ્યમંત્રીશ્રી ::

  • વડાપ્રધાનશ્રીએ અપનાવેલી વિકાસની રાજનીતિ અને રિફોર્મ-પર્ફોર્મ-ટ્રાન્સફોર્મના અભિગમથી વિકાસ ક્રાંતિ સર્જાઈ છે.
  • ભારત ગ્લોબલ કોમ્પિટિશન કરીને વિકસિત દેશોથી આગળ નીકળવા સજ્જ બન્યું છે.
  • સરકારના મહત્વના એવા નાણાં વિભાગમાં મળેલી સેવાદાયિત્વની તક સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ-સૌના પ્રયાસના મંત્રથી ચરિતાર્થ કરીએ.

* નવનિયુક્ત યુવાશક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંવાહક બનશે.

GSTની આવક રાજ્યના વિકાસ કાર્યોને નવો વેગ આપશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રીશ્રી

  • નવનિયુક્ત કર્મચારીની પ્રાથમિક જવાબદારી છે કે કોઈ પણ પ્રમાણિક વેપારીને અકારણસર મુશ્કેલી કે અગવડતા ન પડે.

* વેપારીઓની સુવિધાયુક્ત કામગીરી જ રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે.

ગુજરાત ૯૯% GST રિટર્ન ફાઈલિંગ સાથે દેશમાં પ્રથમ;- નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં રાજ્ય કર નિરીક્ષક (સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર) તરીકે નવી નિમણૂક મેળવી રહેલા યુવાનોને આહવાન કર્યું કે, નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીને રાજ્યની આવકમાં વૃદ્ધિ, નવા પ્રોજેક્ટ અને રોકાણો મેળવવા તથા તેના પરિણામે નવી રોજગારીની તકો ઊભી કરવાના તેમણે સંવાહક બનવાનું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ અને રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનો જે અભિગમ અપનાવ્યો છે તેના પરિણામે દેશમાં વિકાસ ક્રાંતિ સર્જાઈ છે. ભારત આજે ગ્લોબલ કોમ્પિટીશન કરતો દેશ બન્યો છે. એટલું જ નહિં, હાઈડ્રોજન ટ્રેન જેવી પહેલથી વિકસિત દેશો સામે સજ્જતાથી ઉભો રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગમાં વેરા નિરીક્ષકોની 301 જગ્યાઓ પરની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવીને નવી નિમણૂક મેળવનારા યુવાનોને ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કરતાં યુવાઓને વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક ગણાવ્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસની ઉપસ્થિતિમાં આ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, સરકારી સેવામાં અને ખાસ કરીને ફાયનાન્સે જેવા વિભાગમાં સેવાની જે તક મળી છે તેને સારૂં સંચાલન અને પ્રમાણિકતાપૂર્વકની ફરજો અદા કરીને આ યુવાનોને નિભાવવાની છે.

“આપણું કાર્ય એવું હોવું જોઈએ કે સામેના વ્યક્તિની જે મુશ્કેલી હોય તે સરકાર તરીકે નિયમબદ્ધ રહીને ઉકેલી આપીએ અને તેને તકલીફ ન પડે” એવો કાર્યમંત્ર પણ મુખ્યમંત્રીશ્રીએ આ નવનિયુક્ત કર નિરીક્ષકોને આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ વાયબ્રન્ટ સમિટ શરૂ કરાવી તેની સફળતાને કારણે ગ્લોબલ પ્લેટફોર્મ પર ગુજરાત રોકાણ-ઉદ્યોગ માટેનું બેસ્ટ પર્ફોર્મર બન્યું છે. હવે તમારે સૌએ ગુજરાતના આ વિકાસને વધુ ગતિ આપીને આગળ લઈ જવાનો છે એવી પ્રેરણા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂંક મેળવી રહેલા આ યુવાનોને વિકસિત ગુજરાતના ભાવિ ઘડવૈયાઓ ગણાવતાં કહ્યું કે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તેમને સૌને જોવા મળશે એટલી લાંબી તમારી કેરિયર રહેવાની છે.

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્રને આત્મસાત કરીને સૌને સાથે મળીને સરકારી સેવક તરીકેની ભૂમિકા પ્રમાણિકતાપૂર્વક નિભાવવાનો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નવનિયુક્ત ૩૦૧ જેટલા સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર્સના નિમણૂક પત્ર વિતરણ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કઠિન પરીક્ષા ઉત્તીર્ણ કરીને સેવા ક્ષેત્રે જોડાયેલા યુવાનોએ જે મક્કમતા અને મહેનતથી સફળતા મેળવી છે, તે જ નિષ્ઠા પોતાની સમગ્ર સેવા દરમિયાન પણ જાળવી રાખવી જોઈએ.
નાણાં અને ટેક્સ ડિપાર્ટમેન્ટને રાજ્યના અર્થતંત્રની મહત્વપૂર્ણ કરોડરજ્જુ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની બેલેન્સ શીટ પોઝિટિવ રાખવાની તેમજ તમામ સર્વાંગી વિકાસ કાર્યો માટે નાણાકીય સ્થિરતા અને સંતુલન જાળવવાની આ વિભાગ પાસે અત્યંત જવાબદારીપૂર્વકની ભૂમિકા છે.

વધુમાં નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગ રાજ્યની મહેસૂલી આવકનો મુખ્ય આધારસ્તંભ છે. નવનિયુક્ત કર્મચારીઓની પ્રાથમિક જવાબદારી છે કે કોઈ પણ પ્રમાણિક વેપારીને અકારણસર મુશ્કેલી કે અગવડતા ન પડે; કારણ કે વેપારીઓની સરળ કામગીરી અને આર્થિક સમૃદ્ધિ સીધી રીતે રાજ્યના આર્થિક હિત સાથે જોડાયેલી છે. તેમણે નવનિયુક્ત અધિકારીઓને સતત શીખવાની વૃત્તિ રાખવા અને વરિષ્ઠ અધિકારીઓના અનુભવનો લાભ લઈને નાગરિકો તથા વેપારીઓના વ્યાજબી પ્રશ્નોનો ઝડપી, પારદર્શી અને સકારાત્મક નિકાલ લાવવા આહવાન કર્યું હતું.

રાજ્યના જીએસટી (GST) ગ્રોથ રેટ અંગે વાત કરતાં નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ‘ટીમ ગુજરાત’ના સક્ષમ નેતૃત્વ હેઠળ GST કલેક્શન અને તેનો વિકાસ દર ઉત્સાહજનક રહ્યો છે. નવા ઊર્જાવાન અધિકારીઓના જોડાવાથી રાજ્યની મહેસૂલી આવકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થશે, તેના પરિણામે ગુજરાતના સુદૂર વિસ્તારો સુધી જનકલ્યાણકારી યોજનાઓ અને પાયાના વિકાસ કાર્યો પહોંચાડી શકાશે. તેમણે તમામ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર્સને વેપાર-ઉદ્યોગ જગત સાથે યોગ્ય સંકલન સાધીને રાજ્યહિતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
આ પ્રસંગે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં જીએસટી (GST) અમલમાં આવ્યા બાદ અનેક નીતિવિષયક સુધારાઓ થયા છે. ૪૦% અને ૨૮% ના ટેક્સ સ્લેબ ઘટીને ૧૮% જેવા સરળ દરો થયા છે, જે સમયગાળા દરમિયાન વિભાગમાં પણ હકારાત્મક બદલાવ આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં જીએસટી રિટર્ન ફાઈલ કરવાના કોમ્પ્લાયન્સમાં ગુજરાત વર્ષોથી ૯૯%થી વધુ દર સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ટેક્સ કલેક્શનમાં રાજ્ય અગ્રણી સ્થાન ધરાવે છે. આપણા વેપારીઓ અને ઉદ્યોગકારો સહયોગી હોઈ, તેમને વ્યાપારમાં સરળતા રહે તે માટે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની ભાવનાથી મદદરૂપ થવું એ આપણી પ્રાથમિક ફરજ છે.

વધુમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર્સને સૂચન કર્યું હતું કે, આપણે માત્ર સત્તા ભોગવવા માટે નથી, પરંતુ નાગરિકોની સેવા કરવા માટે છીએ. વેપારીઓ અને નાગરિકો સરળતાથી ટેક્સ ચૂકવે તેવું વાતાવરણ રાજ્યમાં ઊભું કરવાનું છે. આ ટેક્સ રૂપે એકત્રિત થતી રકમનો ઉપયોગ ગુજરાત અને દેશના વિકાસ કાર્યોમાં થાય છે, તેથી યુવા અધિકારીઓ જેટલું શ્રેષ્ઠ કામ કરશે એટલું જ રાજ્યમાં વધુ સંપત્તિનું નિર્માણ થશે.

મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ
આ પ્રસંગે ઉમેદવારોનો ઉત્સાહ વધારતા રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે જણાવ્યું હતું કે, આશરે ૨.૩૦ લાખથી વધુ ઉમેદવારોએ GPSCની આ કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી, જેમાંથી પસંદગી પામેલા આપ ૩૦૧ અત્યંત પ્રતિભાશાળી કર્મચારીઓ છો. આ તમામ અધિકારીઓના કૌશલ્યનો લાભ આગામી સમયમાં ગુજરાતના આર્થિક વિકાસને મળશે.

તેમણે ઉમેર્યું હતું કે, GST એ એક વિશિષ્ટ અને સંવેદનશીલ કાયદો હોવાથી અધિકારીઓએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મહત્વના ચુકાદાઓ -જજમેન્ટ્સ તેમજ લીગલ કેસ-લોનું સતત જ્ઞાન મેળવવું જરૂરી છે, જેથી ટેક્સ કન્સલ્ટન્ટ્સ સામે સક્ષમતાથી રાજ્યના હિતોનું રક્ષણ કરી શકાય.

કાર્યક્રમના પ્રારંભે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજને સ્વાગત પ્રવચન આપી ઉપસ્થિત મહાનુભાવો અને નવનિયુક્ત અધિકારીઓનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે, મુખ્ય રાજ્યવેરા કમિશનર શ્રી રૂપવંતસિંઘે કાર્યક્રમમાં હાજર રહેલા તમામ મહાનુભાવો અને અતિથિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં નાણાં ઇકોનોમિક અફેર્સના સચિવ શ્રી સંદીપ કુમાર સહિત સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related Posts