ગુજરાત

નાગરિક સુરક્ષા માટે ગુજરાત પોલીસના કાફલામાં નવા ૫૦૦ અત્યાધુનિક ૧૧૨ ‘જનરક્ષક’ વાહનો જોડાશે

રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.૨૫ ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને ૫૦૦ નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરવામાં આવશે.

રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ ૫૦૦ નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે. આ નવા વાહનો સાથે હવે સમગ્ર રાજ્યમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે ઉપલબ્ધ થશે.

જનરક્ષકના અમલીકરણના માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામાં આ સેવામાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૬.૭૪ લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા અપાઈ છે.

આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD-કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૨૭ મિનિટથી ઘટીને ૧૦:૪૯ મિનિટ થઈ ચૂક્યો છે. નવા વાહનો અને ટેક્નોલોજીથી આ સમયમાં હજુ વધુ ઝડપી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હવે સરહદની સીમાઓ બાધારૂપ ન બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ અમલી બનાવી ઘટના સ્થળથી સૌથી નજીક ઉપલબ્ધ PCRને રવાના કરવામાં આવશે.

ડાયલ ૧૧૨ અંતર્ગત પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઇન (૧૮૧), ચાઇલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮) તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન (૧૦૭૦) ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.

નવા જનરક્ષક PCR વાહનોની મુખ્ય વિશેષતાઓ

  • ૨૪x૭ કામગીરી માટે વાહનો AC યુક્ત તેમજ સેફ્ટી ગ્રીલ/પ્રોટેક્ટિવ સ્ટ્રક્ચરથી સજ્જ.
  • રિયલ-ટાઇમ માહિતી માટે Mobile Data Terminal (MDT) અને GPS વ્હીકલ ટ્રેકિંગ.
  • ઇમરજન્સી લાઇટ બાર વિથ સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ (PAS), ફાયર એક્સટિંગ્યુશર, ફર્સ્ટ-એઇડ કીટ અને સર્ચ લાઇટ ટોર્ચ.
  • સ્ટાફ માટે બોડી-વોર્ન કેમેરા, હેલ્મેટ, પ્રોટેક્ટિવ ગિયર અને ડેશ કેમ.
  • દરેક વાહન પર ૨૪x૭ ફરજ માટે ૧ ASI/HC + ૨ કોન્સ્ટેબલ + ૧ ડ્રાઇવર તૈનાત રહેશે.

Related Posts