ગુજરાત

પવિત્ર શ્રાવણ માસમાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તીકરણ માટે ૭ પ્રમુખ યાત્રાધામોમાં “શ્રાવણ ઉત્સવ”નું આયોજન

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ ધાર્મિક પર્વોના અવસરે સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૬ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ૭ મુખ્ય ધાર્મિક સ્થળો પર “શ્રાવણ ઉત્સવ” મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં ૧૬૫ સખી મંડળની અંદાજે ૩૦૦ બહેનો માટે ૧૬૫ સ્ટોર તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં તેમના દ્વારા નિર્મિત ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી તેમજ ઘર સજાવટની વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સખી મંડળની બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાની સાથે તેમના રહેવા અને જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ શ્રાવણ ઉત્સવ હેઠળ તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર, ભાવનગરના જવાહર મેદાનમાં, રાજકોટના ઘેલા સોમનાથ મહાદેવ અને ભરૂચના નીલકંઠધામ (પોઇચા) ખાતે સખી મંડળોના સ્ટોલ કાર્યરત રહેશે. ત્યારબાદ જન્માષ્ટમી પર્વ નિમિત્તે તા. ૨ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન પોરબંદર અને રાજકોટના લોકમેળામાં તેમજ દેવભૂમિ દ્વારકામાં આ પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ યોજાશે.

આ મેળાઓ દ્વારા સખી મંડળની બહેનોને સીધા ગ્રાહકો સુધી પહોંચવાનો ઉત્તમ મંચ મળશે, જેથી તેમની આવક અને આજીવિકામાં વધારો થવાની સાથે રાજ્ય સરકારના “વોકલ ફોર લોકલ” અને “લખપતિ દીદી” જેવા અભિયાનોને મોટો વેગ મળશે. મહિલા સશક્તીકરણના આ ઉમદા પ્રયાસને બળ આપવા માટે રાજ્યના તમામ નાગરિકો અને ભાવિક ભક્તોને આ ઉત્સવની મુલાકાત લઈ સ્થાનિક બહેનો દ્વારા નિર્મિત શુદ્ધ અને હસ્તકળાની ચીજવસ્તુઓની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે

Related Posts