ભાવનગર

‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ના સંકલ્પ સાથે ભાવનગરમાં ૯મો રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાશે

ભાવનગર જિલ્લા પંચાયત ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.પી. બોદરના અધ્યક્ષસ્થાને ૯મા
રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.પી. બોદરે જણાવ્યું હતું કે, તા. ૯ સપ્ટેમ્બરથી તા. ૮
ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ભાવનગર જિલ્લામાં ૯મો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવાશે.‘આપણી આંગણવાડી
આપણી જવાબદારી’ની થીમ સાથે આંગણવાડી કેન્દ્રોને કેન્દ્રમાં રાખી બાળકો, કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ
તથા ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્યમાં સુધારો લાવવા તેમજ પોષણ અંગે જનજાગૃતિ અને
સમુદાયની સહભાગિતા વધારવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ
સંબંધિત વિભાગોને સોંપાયેલી કામગીરીનું અસરકારક સંકલન કરી પોષણ માહની ઉજવણીને જનભાગીદારી
સાથે સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી શિલ્પાબેન ડામોરે પોષણ માહ દરમિયાન આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ,
શિક્ષણ, કૃષિ, ગ્રામ વિકાસ તેમજ શ્રમ અને રોજગાર વિભાગ સહિતના સંલગ્ન વિભાગો દ્વારા હાથ ધરાનારી
પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે યોજાનારી પ્રવૃત્તિઓની જન આંદોલન ડેશબોર્ડ પર સમયસર ડેટા
એન્ટ્રી કરવા પણ સૂચના આપી હતી.

પોષણ માહ દરમિયાન સ્વસ્થ અને વૈવિધ્યસભર રેસીપીનું નિદર્શન, પોષણ મેળા, ‘પ્રોટીન-ભરપૂર ખોરાક’
ઝુંબેશ, પોષણ વાટિકાના ઉત્પાદનો અને સ્થાનિક ખોરાકનું પ્રદર્શન, સાપ્તાહિક મેનૂ રોટેશન તથા ગરમ
રાંધેલા ભોજનનું નિદર્શન જેવી પ્રવૃત્તિઓ યોજાશે. સાથે જ સમુદાય સ્તરે ગરમ રાંધેલા ભોજન ચાખવાના
સત્રો, આંગણવાડી વ્યવસ્થાપન સમિતિઓનું સક્રિયકરણ, SNP મેનુ બોર્ડ ડિસ્પ્લે અને ભોજનની ગુણવત્તાનું
સમુદાય નિરીક્ષણ કરવામાં આવશે.
બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સુધારેલ હોમ વિઝિટ શેડ્યૂલરનો અમલ, વિકાસલક્ષી વિલંબ
ધરાવતા બાળકોનું રેફરલ અને પ્રારંભિક ઉત્તેજન જેવી કામગીરી સાથે પોષણના મહત્વ અંગે પણ
જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
બેઠકમાં સંબંધિત વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts