ભાવનગર

રાષ્ટ્રીય મંચ પર ગુજરાતનો ડંકો: આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી અલ્પેશ સુતરીયાએ વ્હીલચેર ટેબલ ટેનિસમાં મેળવ્યું સુવર્ણ ચંદ્રક

ગુજરાત પોસ્ટલ સર્કલના કર્મચારી અને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી
શ્રી અલ્પેશ સુતરીયાએ રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક
હાંસલ કરીને ગુજરાત પોસ્ટલ સર્કલનું ગૌરવ વધાર્યું છે.
તેલંગાણા પોસ્ટલ સર્કલ દ્વારા હૈદરાબાદના Firefox Sports & Resort ખાતે તા. ૧ થી ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬
દરમિયાન 2nd All India Postal Para Badminton & Table Tennis Tournament 2026–27નું આયોજન
કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત પોસ્ટલ સર્કલના કુલ ચાર પેરા ખેલાડીઓએ ભાગ લીધો હતો
અને ચારેય ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કરી સર્કલનું ગૌરવ વધાર્યું હતું.
સ્પર્ધામાં LSG Postal Assistant, Bhavnagar Head Office ખાતે ફરજ બજાવતા આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ
ટેનિસ ખેલાડી શ્રી અલ્પેશ સુતરીયાએ Wheelchair Men’s Table Tennisમાં ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય દર્શાવી
પ્રથમ સ્થાન હાંસલ કરતાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. તેમની આ સિદ્ધિ ગુજરાતના પેરા રમતગમત ક્ષેત્ર
માટે પણ ગૌરવપૂર્ણ ક્ષણ બની છે.
શ્રી અલ્પેશ સુતરીયા અગાઉ વિવિધ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી
ચૂક્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા શ્રી સુતરીયાએ પોતાની
પ્રતિભા, દૃઢ મનોબળ, સખત મહેનત અને અવિરત સંઘર્ષના બળે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ પોતાના નામે
કરી છે.

તેમની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ પૂરતી સીમિત ન રહેતાં દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી અદમ્ય
ક્ષમતા અને પ્રતિભાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. શ્રી અલ્પેશ સુતરીયાની સિદ્ધિ અન્ય દિવ્યાંગ
કર્મચારીઓ તેમજ યુવા પેરા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવી પ્રેરણા પૂરી પાડશે.
રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ગુજરાત પોસ્ટલ સર્કલના ચારેય પેરા ખેલાડીઓએ મેડલ મેળવી ઉત્કૃષ્ટ
પ્રદર્શન કર્યું તે બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શ્રી અલ્પેશ સુતરીયાની સુવર્ણ સિદ્ધિ બદલ
ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વિશેષ અભિનંદન સાથે તેમના ઉજ્જવળ રમતગમત કારકિર્દી માટે શુભેચ્છાઓ
પાઠવવામાં આવી છે.

Related Posts