અમરેલી કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા સાથે રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલીની વિવિધ શાળાઓમાં માર્ગ સલામતીને લઈને જનજાગૃતિ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ ઉત્પાદકો તરફથી કાયમી રિફ્લેક્ટર લગાડવામાં નથી આવતા તેવા ખેતીવાડીમાં વપરાતા ટ્રેલરો પર રેડિયમ રિફ્લેકટર લગાડેલા ન હોય તેવા વાહનોના ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. કાયમી રિફ્લેક્ટર ન હોય અને રેડિયમ રિફ્લેક્ટર પણ લગાડેલા ન હોય તેવા વાહનોના લીધે અકસ્માત ન સર્જાય અને તેના લીધે વાહનના કોઈ પણ ચાલકે જીવ ગુમાવવો ન પડે તે માટે તકેદારીના ભાગરૂપે આ જનજાગૃતિ જરૂરી છે.
આર.ટી.ઓ દ્વારા પ્રતિમાસ નિઃશુલ્ક રેડીયમ રિફ્લેક્ટર ખેતીવાડીમાં વપરાતા વાહનોમાં લગાડવામાં આવે છે તેમ છતાં જે વાહનો આવા રિફ્લેક્ટર વગરના છે અથવા તો રિફ્લેક્ટર નથી લગાડતા તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે.
નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડનાર ઈસમો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી. જે જગ્યાએ મીડિયન ડિવાઈડર તોડી નાખનાર ઈસમો મળી આવે તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દબાણો અંગેની કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જે માર્ગ પર દબાણ હોય તેને આગામી સમયમાં દૂર કરવા માટે જરૂરી આયોજન કરવા માટે જણાવાયું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ રોડ રસ્તા ઉપર વૃક્ષોનું ટ્રીમીંગ, રમ્બલ સ્પીડ બ્રેકર સહિતની બાબતોને લઈને સંબંધિત અધિકારીશ્રીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. વાહન ચાલકોએ સલામતી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, અતિશય ઝડપે વાહન ચલાવવું નહીં વગેરે બાબતોને લઈને કાળજી રાખવી હિતાવહ છે.
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેકટરશ્રી એ.એ. ડોડિયા પ્રાંત અધિકારીશ્રી અમરેલી-કુંકાવાવ જાડેજા, આર.ટી.ઓ શ્રી બી.એસ. કલસરિયા, સહિત સંબંધિત વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન આર.ટી.ઓ ઇન્સપેક્ટર શ્રી એમ.વી. શાહે કર્યું હતું.














Recent Comments