મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય તેમજ ગાંધીનગર જિલ્લામાંથી મોબાઇલ ટાવરોની ૧૮૨ નંગ બેટરીઓ પીકઅપ ડાલામાં ચોરીને સ્ક્રેપમાં વેચી મારી પૈસા અંદરો અંદર વહેંચી લેતી ગેંગના બે સાગરિતોને ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા સઈજ જીઆઈડીસી વિસ્તારમાંથી પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ ૪૨ નંગ બેટરી, મોબાઈલ ફોન તેમજ પીકઅપ ડાલું મળીને કુલ રૂ. ૫ લાખ ૨૨ હજાર ૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, સઈજ જીઆઈડીસી પાસે એક પીકઅપ ડાલા નંબર (ય્ત્ન-૨૭-ઠ-૯૫૬૫)માં બે ઈસમો બેટરીઓ લઈને વેચવા ફરી રહ્યા છે જેના પગલે પોલીસ ટીમે ઉક્ત નંબરના પીકઅપ ડાલા સાથે ભરત ઉર્ફે સન્ની ગોપાલભાઈ શર્મા (રહે. જુની રેલવે લાઇન જવાહર નગર છાપરા, વાડજ) અને ધનરાજ મોહનભાઈ બેરવા (રહે. રબારી વાસ હાથીજન અમદાવાદ) ને ઝડપી લેવામાં આવ્યા હતા.
ભગવાનસિંહનાં પીકઅપ ડાલામાં નીકળી આ ગેંગ મહેસાણા અમદાવાદ ગ્રામ્ય તેમજ ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ ટાવરોની બેટરી ચોરી ભંગારમાં વેચી મારતા હતા. અત્યાર સુધીમાં કડી કારોલી છત્રાલ તેમજ મણિપુર વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરની ૧૮૨ જેટલી બેટરીઓ આ ગેંગ ચોરી ચૂકી છે. તે સિવાય ઈસંડની સ્ટીલ કંપની માંથી લોખંડની પ્લેટો તેમજ ડીવીઆર ની પણ ચોરીને આ ગેંગે અંજામ આપ્યો હતો.
ભરત શર્મા છોકરીને લઈને ભાગી ગયો હોવાથી પૈસાની જરૂરિયાત પડતા છત્રાલ બ્રિજ પાસેની દુકાનનાં તાળા તોડી બેટરીઓ ચોરીને વેચવા જતા પકડાઈ ગયો છે. જેનાં વિરુદ્ધમાં ઘરફોડ ચોરીના બે ગુના ઉપરાંત પાસા પણ થયેલી છે. જ્યારે ભગવાન સિંહ રાજપૂત વિરુદ્ધ ઘરફોડ ચોરીના ૪ ગુના નોંધાયેલા છે.
આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કલોલ, કડી તેમજ સાંતેજ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે જેમની પાસેથી રૂ. ૫ લાખ ૨૨ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે તેમ વધુમાં ઇન્સ્પેકટર વાઘેલાએ જણાવ્યું હતું.
Recent Comments