અમરેલીની કે.કે.પારેખ નાની નુતન સ્કૂલ ખાતે ૮ અને ૯ ફેબ્રુઆરીના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને અમરેલી વહીવટી તંત્ર તેમજ કે.કે.પારેખ અને આર.પી.મહેતા હાઈસ્કૂલના સહયોગથી અને રમત ગમત વિભાગ દ્વારા જિલ્લાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકાના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા બનેલા આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ વિજેતા કલાકારો સૌરાષ્ટ્રઝોન કક્ષાની સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ સ્પર્ધામાં સ્પર્ધકોએ લોકનૃત્ય, રાસ, ગરબા, કથ્થક, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, ચિત્રકલા, સમૂહગીત, ઓરગન, વકતૃત્વ, સર્જનાત્મક કારીગરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ શાયરી સહિતની કુલ સત્તર જેટલી સ્પર્ધાઓમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી.
કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના શ્રી ઘનશ્યામભાઈ સોલંકી, શ્રી લતાબેન ઉપાધ્યાય, શ્રી સી.પી.ગોંડલિયા, સંસ્થાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ મહેતા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વી.બી.પરમાર, રમત ગમત અધિકારી શ્રી અશરફભાઈ કુરેશી, કે.કે.પારેખ સ્કૂલના આચાર્યશ્રી વિપુલભાઈ વ્યાસ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી તુલસીભાઈ મકવાણા, સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ, રમત ગમત વિભાગના સ્ટાફમિત્રો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
Recent Comments