રાજકોટમાં યુવતીએ અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચર્યા બાદ ધરાર સંબંધ રાખવા બ્લેકમેઇલ કરી ધમકીની પોલીસ ફરિયાદ કરી
રાજકોટ પોલીસમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જામનગર પંથકની અને હાલ રાજકોટ રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી ૩૦ વર્ષીય યુવતીએ અમદાવાદ જુહાપુરામાં અલસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ઝુબીન શમીમખાન પઠાણ નામના શખ્સ સામે દુષ્કર્મ આચર્યા બાદ ધરાર સંબંધ રાખવા બ્લેકમેઇલ કરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ રાજકોટમાં રહેતી યુવતીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે ૨૦૧૮ના વર્ષમાં અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે કંપનીમાં ઝુબીન પઠાણ પણ નોકરી કરતો હોય બંને વચ્ચે પરિચય હતો. બાદમાં ઝુબીને પોતાની સાથે મિત્રતા કેળવી મોબાઇલ નંબર મેળવ્યા હતા.
ઝુબીન અવારનવાર પોતાની સાથે મોબાઇલ પર વાતચીત કરતો રહેતો હતો. બંનેએ પાંચેક મહિના સાથે નોકરી કરી હતી. કંપનીના સહકર્મચારીઓ સાથે ફરવા જતા ત્યારે ઝુબીન પણ સાથે આવતો હતો. ત્યાર બાદ માર્ચ, ૨૦૧૯માં નોકરીમાંથી રાજીનામું આપી પોતે અમદાવાદથી રાજકોટ પરત આવી ગઇ હતી. અને રાજકોટ આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. રાજકોટ આવી ગયા પછી પણ ઝુબીન અવારનવાર પોતાને ફોન કરી વાતચીતનો વ્યવહાર ચાલુ રાખ્યો હતો. લાંબા સમયની મિત્રતા બાદ નવેમ્બર, ૨૦૨૧ના ઝુબીન રાજકોટ આવ્યો હતો. અને પોતાને દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી ગેલેરિયા હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં ઝુબીને પોતાની સાથે બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હતા. ઝુબીને તે સમયે બંનેના ફોટા, વીડિયો પણ લીધા હતા. એટલું જ નહિ પોતાના મોબાઇલમાંથી પણ ફોટા, વીડિયો ઝુબીને મેળવી લીધા હતા.
ઝુબીને પોતાની સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યા બાદ તેના અંગે તપાસ કરતા ઝુબીને અગાઉ તેની જ જ્ઞાતિની બે યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંનેને કાઢી મુક્યા બાદ ઝુબીને એક બ્રાહ્મણ યુવતીને તેની ચુંગાલમાં ફસાવી હાલ તેની સાથે રહેતી હોવાની વિગતો જાણવા મળી હતી. આમ ઝુબીનના કરતૂતની માહિતીઓ મળતા તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. વાતચીત બંધ કરી દેતા ઝુબીન વારંવાર પોતાને ફોન કરતો રહેતો હતો.
પરંતુ પોતે ફોન રિસીવ નહિ કરતા છેલ્લા છ મહિનાથી પોતાને વારંવાર મેસેજ કરી રાજકોટની હોટેલમાં વિતાવેલી અંગતપળોના ફોટા અને વીડિયો વહેતા કરી દેવાની ધમકી આપી પરેશાન કરતો હતો. અને કહેતો કે જાે મારી સાથે સંબંધ નહિ રાખ તો હું તારા પરિવારને ફોટા-વીડિયો મોકલી તને બદનામ કરી દઇશની ધમકી દેતો હતો. સામાજિક કારણોસર ઝુબીનના ત્રાસની કોઇને વાત કરી ન હતી. અંતે ઝુબીને અનહદ ત્રાસ આપવાનું શરૂ કરતા સમગ્ર બનાવની વાત ભાઇને કરી હતી. યુવતીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ ગોંડલિયાએ ગુનો નોંધી અમદાવાદના ઝુબીનની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
Recent Comments