અમરેલી

જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે અમરેલીના સલડી સ્થિત શ્રી એમ.એમ.યાજ્ઞિક હાઇસ્કૂલ ખાતે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ ૧, ધો.૯ અને ધો.૧૧ના ભૂલકાંઓ-વિદ્યાર્થીઓને અનેરાં ઉમળકા સાથે શાળા પ્રવેશ કરાવ્યો

માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ’. વર્ષ-૨૦૦૩થી ગુજરાતમાં અવિરત ઉજવવામાં આવતા વિદ્યાશક્તિના ઉત્સવના ૨૨માં તબક્કાનો આજરોજ રાજ્યવ્યાપી શુભારંભ થયો છે.

રાજ્ય સરકારના સતત સકારાત્મક પ્રયત્નોથી પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો સતત ઘટી રહ્યો છે. ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે.

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ ૨૨મા તબક્કાના પ્રથમ દિવસે અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે અમરેલીના સલડી મુકામે શ્રી એમ.એમ.યાજ્ઞિક હાઇસ્કૂલ ખાતે બાલવાટિકા, આંગણવાડી, ધોરણ ૧, ધો.૯ અને ધો.૧૧ના ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને અનેરાં ઉમળકા સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો અને સહર્ષ આવકાર્યા હતા.

બાલવાટિકામાં કન્યા અને કુમાર સહિત ૩૫ તેમજ ધોરણ ૧માં ૩૧ ભૂલકાંઓએ પા પા પગલી માંડી હતી.ધોરણ ૯માં ૨૦ કન્યા, ૩૧ કુમાર સહિત ૫૧ વિદ્યાર્થીઓને શાળામાં સહર્ષ આવકાર આપવામાં આવ્યો હતો. ધોરણ ૧૧માં ૩૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. 

જિલ્લા કલેકટર શ્રી ભારદ્વાજના હસ્તે પ્રવેશપાત્ર સૌ ભૂલકાંઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમણે પ્રેવશપાત્ર તમામ બાળકોને ઉજળાં ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી અને દાતાશ્રીઓની સેવાને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સલડી ગામના શિક્ષણપ્રેમી દાતાશ્રીઓ અને શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.  શ્રી એમ.એમ.યાજ્ઞિક હાઇસ્કૂલ ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ પ્રસંગે જિલ્લા કલેકટર  શ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યુ કે,  કન્યાઓ પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જરુરી છે. ભારતના ગામડાઓમાં પ્રતિભાઓ છે, તેને શોધવી જરુરી છે.

કલેકટરશ્રીએ કહ્યુ કે, બાળકો સહિતના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ઉમદા ખેલ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પણ નામ રોશન કરી રહ્યા છે, રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે અને તે સાથે તે તેમની પ્રતિભાનો પરિચય પણ દુનિયાને કરાવે છે.

વિજ્ઞાન મેળો, ઇન્સપાયર એવોર્ડ, જ્ઞાન સેતુ સ્કોલરશિપ પરીક્ષા, સી.ઇ.ટી, એન.એમ.એમ.એસ, જ્ઞાનસાધના સ્કોલરશિપ ૨૦૨૫-૨૬, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રી એમ.એમ.યાજ્ઞિક હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળા સલડીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રીએ વિદ્યાર્થીઓની આંખ તપાસણીને સઘન કરવા વિશેષ ભાર આપ્યો હતો.

કાર્યક્રમના અંતે સલડી ગામના સરપંચ શ્રી અને જિલ્લા કલેકટર શ્રી સહિત મહાનુભાવોએ શાળાનાં પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતુ.

જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે, શાળા એસ.એમ.સી. સભ્યોની બેઠકમાં સૌ સભ્યો સાથે વિવિધ બાબતોને આવરી લેતી ચર્ચા-વિચારણા કરી હતી.   શ્રી એમ.એમ.યાજ્ઞિક હાઇસ્કૂલ ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમમાં સલડી સરપંચ શ્રી, ગ્રામ પંચાયત સભ્ય શ્રીઓ, આરોગ્ય અધિકારીશ્રીઓ, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકશ્રીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts