અમરેલી

અમરેલી ખાતે વરિષ્ઠ નાગરિકોની સોમનાથ-દ્વારકાના તીર્થ પ્રવાસની બસોને પ્રસ્થાન કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના લાઠી બાયપાસ સ્થિત લોહાણા મહાજન વાડી ખાતેથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વરિષ્ઠ નાગરિકોની તીર્થયાત્રાની બસોના પ્રસ્થાન કરાવ્યું હતું.

અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ડો.ભરતભાઈ કાનાબાર સહિત ટ્રસ્ટીમંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવભેર ઉત્સાહ સાથે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રની ધીંગી ધરાના મહાન સંતશ્રી પૂ.જલારામ બાપાના મંદિરે ભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વરિષ્ઠ નાગરિકોની સોમનાથ-દ્વારકાના તીર્થયાત્રાની બસોનું ઉમળકાભેર પ્રસ્થાન કરાવીને તીર્થયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, અનુકંપા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારની સિનીયર સિટીઝન તીર્થયાત્રાની યોજનાના સહયોગથી કુલ ૨૫૧ વરિષ્ઠ તીર્થયાત્રીઓને યાત્રા બસ સેવા પૂરી પાડવામાં આવી છે.

રાજ્યમાં પારદર્શક વહીવટી સંસ્કૃતિને વિકસિત કરવા ઉપરાંત સબળ અને સક્ષમ નેતૃત્વ પૂરું પાડવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અનુકંપા ફાઉન્ડેશન ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશનું નેતૃત્વ દૂરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકોની ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છે. સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેક છેવાડાના લાભાર્થીના ઘર સુધી પહોંચી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ સમાજ જીવનની સાથે સાથે સમાજ માટે ઉપયોગી દરેક પ્રકારના નિર્ણયો કર્યા છે. સામાન્ય નાગરિક સાથે સરકાર કેવી રીતે ઊભી રહે તે પ્રકારની કાર્યશૈલી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. “સૌનૌ સાથ,સૌનૌ પ્રયાસ અને સૌનૌ વિકાસ” એ નેમ સાથે દેશ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ગતિશીલ છે.

પર્યાવરણના જતનની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે સૌએ સાથે મળીને લડત આપવી અનિવાર્ય છે. “એક પેડ માં કે નામ” અભિયાન, પાણીના સંરક્ષણ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ માટે “કેચ ધ રેઈન” અભિયાનને પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિ સાથે સૌએ સાથે મળીને આગળ ધપાવવા જરૂરી છે.

અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ડો.ભરતભાઈ કાનાબારે વરિષ્ઠ નાગરિકોની તીર્થયાત્રાની બસોના પ્રસ્થાન કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનક તળાવીયા, શ્રી મહેશ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી, પૂર્વ સાંસદશ્રી નારણભાઈ કોછડીયા, પૂર્વ મંત્રીશ્રી બાવકુંભાઈ ઉંધાડ, અગ્રણી શ્રી અતુલ કાનાણી સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts