અમરેલી

સાવરકુંડલામાં ‘વિકાસ’ની વેદી પર પર્યાવરણનો ભોગ

સાંભળવા વ્યથાઓ વૃક્ષની, જગતને એવા કાન દે,

કુદરત તણા આ દર્દને, સમજણ તણું સન્માન દે.

​વેરાન થતી આ ધરા જોઈને, દિલમાં હવે તો જાગ તું, હે કેશવ! 

બચાવવા પર્યાવરણ, પ્રભુ સૌને સાચું જ્ઞાન દે.

–“પાંધી સર”

​નગરપાલિકા અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંતાનની જેમ ઉછેરાયેલા સેંકડો વૃક્ષો પર જેસીબી ફરી વળ્યા.. જૂના વટવૃક્ષોનો પણ સોથ વાળી દેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં  રોષ. ​મત આપી શકતા નથી, એટલે જ શું આ કતલ-એ-આમ?

​શહેરમાં જો એક ‘વોટ’ ખોટી રીતે કપાય તો હોબાળો મચી જાય છે, રાજકીય આગેવાનો આકાશ-પાતાળ એક કરી દે છે. પરંતુ સાવરકુંડલામાં દાયકાઓ જૂના વટવૃક્ષો અને મહેનતથી ઉછેરેલા સેંકડો છોડવાઓને નિર્દયતાથી કાપી નાખવામાં આવ્યા, છતાં તંત્ર મૌન છે. કારણ? કારણ કે આ વૃક્ષો બિચારા અબોલ છે, તે મતદાન કરી શકતા નથી કે વિરોધ પ્રદર્શન કરી શકતા નથી. વિકાસની મહાગાથા ગાનારા અને ‘ગુલાબી વાતો’ કરનારા નેતાઓ માટે આ કદાચ કોઈ મોટો મુદ્દો નથી, કારણ કે આમાં કોઈ ‘ટીઆરપી’ વધવાની નથી!

​ભૂલ તંત્રની અને ભોગ બન્યા બિચારા વૃક્ષો!

​સાવરકુંડલાના ભુવા રોડ પર રંઘોળા સ્ટેટ હાઈવેને જોડતા ‘આઈકોનિક રોડ’ના નિર્માણ માટે જે રીતે કુહાડો ચલાવવામાં આવ્યો છે તે જોઈને હૈયું દ્રવી ઉઠે છે. નગરપાલિકા અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે પ્રજાના પરસેવાની કમાણીના પૈસા દ્વારા  જે વૃક્ષો વાવવામાં આવ્યા હતા, તેને R&B (માર્ગ અને મકાન) વિભાગે ‘બિન-અધિકૃત’ ગણાવીને જમીનદોસ્ત કરી દીધા. પ્રશ્ન એ થાય છે કે જો આ વૃક્ષો ખોટી જગ્યાએ વવાયા હતા, તો તે સમયે તંત્ર કેમ ઊંઘતું હતું? વર્ષો સુધી જેને સંતાનની જેમ માવજત આપીને મોટા કર્યા, તેને એક ક્ષણમાં ઉખેડી ફેંકીને પ્રજાના પૈસાનું આંધણ કરવામાં આવ્યું છે. ભૂલ કરનાર પાસેથી આ તમામ ખર્ચ કેમ ન વસૂલવો? 

​માત્ર નવા છોડ જ નહીં, પણ ત્રણ-ત્રણ દાયકા જૂના ઘટાદાર વટવૃક્ષોને પણ રહેંસી નાખવામાં આવ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ તંત્ર સામે અણીયારા સવાલો ઉઠાવી રહ્યા છે:

​શું આ વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની વિધિવત મંજૂરી લેવાઈ હતી?

​જો મંજૂરી નહોતી, તો શું આ કાનૂની અપરાધ નથી?

​રસ્તાની ડિઝાઇનમાં નડતરરૂપ મકાનો, દીવાલો કે ગેટને હજુ અડકવામાં આવ્યું નથી, તો પ્રથમ ગાજ વૃક્ષો પર જ કેમ પડી?

​સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, જૂના વટવૃક્ષો કોણે કાપ્યા તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી! જાણે આ વૃક્ષો કાપવા માટે સ્વર્ગલોક કે ઈન્દ્રલોકમાંથી કોઈ આવ્યું હોય તેમ તંત્ર અજાણ બનીને બેઠું છે.

​આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ, પણ અમલ શૂન્ય છે. ‘તોકતે’ વાવાઝોડા વખતે સાવરકુંડલાએ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોયું છે, હજારો આંબા અને ચીકુના ઝાડ ઉખડી ગયા હતા. તે સમયે આધુનિક ટેકનોલોજીથી રી-પ્લાન્ટિંગના પ્રયોગો થયા હતા. જાપાન અને ચીન જેવા દેશોમાં મોટા વૃક્ષોને ખસેડીને બીજી જગ્યાએ રોપવાની પદ્ધતિ વર્ષોથી અમલમાં છે. તો આ ભુવા રોડ પરના વૃક્ષોને કેમ ન બચાવી શકાયા? શું તે ‘જાહેર રોડ’ પર હોવાથી નધણિયાતા હતા એટલે જ તેની પર આ ક્રૂરતા આચરવામાં આવી?

​આવનારી પેઢીને શું આપીશું? માત્ર કોંક્રિટના જંગલો જ કે બીજું કંઈ? 

​વિકાસના નામે કુદરતી સંપત્તિનો નાશ કરવો એ ભવિષ્યની પેઢી સાથેનો મોટો અન્યાય છે. તંત્રની અણઘડ નીતિ અને બેદરકારીને કારણે આજે સાવરકુંડલાની હરિયાળી પર ગ્રહણ લાગ્યું છે. પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે આ વિનાશ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય. જો આજે આપણે જાગૃત નહીં થઈએ, તો આવનારી પેઢીને વારસામાં માત્ર ગરમી અને કોંક્રિટના જંગલો જ મળશે.

​તંત્રે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે *એ પણ યાદ રાખવું ખૂબ જરૂરી હોય છે કે “વૃક્ષો બેજૂબાન જરૂર છે, પણ કુદરતનો ન્યાય બહુ આકરો હોય છે!”* 

Related Posts