અમરેલી

વિકાસ વિરુદ્ધ વિલાપ વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ સામે કટરામાં આક્રોશની જ્વાળા

યંત્રો તણી આ દોડમાં માનવ ક્યાં ખોવાઈ જશે?

રોજી રોટીનો સવાલ પથ્થર બનીને અથડાશે.

​ચઢાણના શ્રમમાં વસે છે ભક્તિની પવિત્રતા,

જો આવશે રોપવે, તો પરંપરા ક્યાંક વિસરાઈ જશે.?

​ઘોડેસવાર ને કુલીના આંસુમાં છે આક્રોશની જ્વાળા,

વિકાસના નામે શ્રમિકોનો ચૂલો શું બુઝાઈ જશે?

​સુવિધા ભલે વધે, પણ સંવાદનો જો અભાવ રહેશે,

તો શ્રદ્ધાના આ ધામમાં આક્રોશ જ વરતાઈ જશે.

—“પાંધી સર”

શ્રી માતા વૈષ્ણોદેવીના પવિત્ર ધામમાં આધુનિકતા અને પરંપરા વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શ્રાઈન બોર્ડ દ્વારા પ્રસ્તાવિત નવા રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક હિતધારકોએ મોરચો માંડ્યો છે. બુધવારે કટરાના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા અને રસ્તાઓ પર ઉતરેલા હજારો લોકોએ ‘રોપવે નહીં’ ના નારા સાથે પોતાની વ્યથા ઠાલવી હતી. ટેકનોલોજીના કારણે છીનવાઈ રહેલી રોજગારી બાબતે છે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા આગેવાનોના જણાવ્યા મુજબ:

​૪.૫ લાખ લોકોની આજીવિકા: પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશરે સાડા ચાર લાખ લોકો યાત્રા માર્ગ પર નિર્ભર છે.

​શ્રમિકોની સ્થિતિ પણ કેવી દુર્દશાપૂર્ણ થશે. ૧૨,૦૦૦ કુલી અને ૪,૦૦૦ થી વધુ ઘોડેસવારોની રોજીરોટી આ પ્રોજેક્ટથી છીનવાઈ જવાની ભીતિ છે.

​વેપારીઓને સતાવતી  ચિંતા એટલે  રોપવે સીધો ભવન સુધી જશે તો માર્ગ પરની હજારો નાની દુકાનો અને હોટલ ઉદ્યોગને મોટું નુકસાન થશે.

​શ્રાઈન બોર્ડનો પક્ષ… સુવિધા કે મજબૂરી?

​બીજી તરફ, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ આ પ્રોજેક્ટને સમયની માંગ ગણાવી રહ્યું છે. દર વર્ષે અંદાજે ૯૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાના દર્શને આવે છે. વૃદ્ધો, દિવ્યાંગો અને બીમાર ભક્તો માટે ચઢાણ પાર કરવું મુશ્કેલ હોય છે, જેમના માટે રોપવે એક આશીર્વાદ સમાન સાબિત થઈ શકે તેમ છે.

​આ વિવાદે ફરી એકવાર એ સનાતન પ્રશ્ન છેડ્યો છે કે શું વિકાસ હંમેશા સામાન્ય માણસના ભોગે જ હોવો જોઈએ?

 ટેકનોલોજી મનુષ્યની કાર્યક્ષમતા વધારે છે અને સમય બચાવે છે, પરંતુ ભારત જેવા જનસંખ્યા ધરાવતા દેશમાં તે ‘રોજગાર ભક્ષક’ સાબિત થઈ રહી છે. વિજ્ઞાન જ્યારે માનવ શ્રમનું સ્થાન લે છે ત્યારે આર્થિક અસમાનતા વધે છે. વિકાસની હરણફાળ ત્યાં સુધી જ આવકાર્ય છે જ્યાં સુધી તે ‘બહુજન હિતાય’ હોય.

​યાત્રાના પરંપરાગત માર્ગો અને પદયાત્રાનું ધાર્મિક મહત્વ પણ આ યાંત્રિકીકરણમાં વિસરાઈ જવાની શ્રદ્ધાળુઓમાં ભીતિ છે. ​કટરામાં લાગેલી આ વિરોધની આગ પ્રશાસન અને જનતા વચ્ચેના સંવાદના અભાવને સૂચવે છે. શું સરકાર મધ્યમ માર્ગ કાઢીને ટેકનોલોજી અને હજારો પરિવારોની રોજીરોટી વચ્ચે સંતુલન જાળવી શકશે? તે જોવું રહ્યું.

Related Posts