અમરેલી

ગિરનારમેં ‘ગિરી-નાર’ (મૃગીકુંડમેં) : ભવનાથના મૃગી કુંડમાં માતૃશક્તિના અધિકાર પર છેડાયેલી નવી ચર્ચા

​”માત્ર પથ્થરનો નથી આ ગઢ, એ તો શક્તિનો શણગાર છે,

જેને ‘ગિરનાર’ કહો છો તમે, એ અસલમાં ‘ગિરી-નાર’ છે.”

​”જ્યાં અંબાના બેસણાં હોય, ત્યાં પૂજાય છે નારી સદા,

મૃગીકુંડના પવિત્ર જળ પર, દીકરીનો પણ અધિકાર છે.”

​–“પાંધી સર” 

​તાજેતરમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં બનેલી ઘટનાઓએ માત્ર વિવાદ જ નથી સર્જ્યો, પરંતુ સનાતન પરંપરા અને ગિરનારના અસ્તિત્વના મૂળ નામ પર વિચાર કરતા કરી દીધા છે. કીર્તિ પટેલ અને મૃગીકુંડ સ્નાનનો વિવાદ હોય કે શિવરાત્રિની ઉજવણી, આ તમામ ઘટનાઓ વચ્ચે એક પાયાનો પ્રશ્ન ઉભો થયો છે: શું ગિરનાર ખરેખર પુરુષ પ્રધાન વ્યવસ્થાનું પ્રતીક છે કે પછી તે ‘ગિરી-નાર’ એટલે કે જગતજનની મા અંબાનું ધામ છે? એક દ્રષ્ટિએ જોઈએ તો, વર્ષોની અણસમજ અને અપભ્રંશને કારણે આપણે જેને ‘ગિરનાર’ કહીએ છીએ તે વાસ્તવમાં ‘ગિરી-નાર’ છે. સનાતન સંસ્કૃતિમાં કૈલાસ પર્વત સિવાયના મોટાભાગના ગિરી શિખરો પર માતૃશક્તિના જ બેસણાં છે. ગિરનાર પર બિરાજતા મા અંબા એ વાતનો પુરાવો છે કે આ પર્વત પર પ્રથમ અધિકાર નારીશક્તિનો છે. ગુરુ દત્તાત્રેયના પગલાં એ તેમની પવિત્ર મુલાકાતની સ્મૃતિ છે, પરંતુ આ ભૂમિનું મૂળ તત્વ તો ‘નાર’ એટલે કે શક્તિમાં સમાયેલું છે.

​અખાડા, રવેડી અને ‘યત્ર પૂજ્યંતે નારી’

​મૃગી કુંડમાં શાહી સ્નાન અને સાધુ-સંતોની રવેડી વચ્ચે જ્યારે મહિલાઓના પ્રવેશ કે સ્નાન પર સવાલો ઉઠે છે, ત્યારે શાસ્ત્રોનું એ વાક્ય યાદ કરવું અનિવાર્ય બને છે કે, “યત્ર પૂજ્યંતે નારી, રમન્તે તત્ર દેવતા”.  દેવતાઓ ત્યાં જ રમે છે જ્યાં નારી પૂજાય છે, તો પછી પવિત્ર કુંડમાં માતૃશક્તિના પ્રવેશ સામે વિરોધ કેવો? અખાડાની શિસ્ત અને અંગ કસરતના દાવપેચ વચ્ચે જો દૈવી સંકેત રૂપે કોઈ માતૃશક્તિ પ્રગટ થાય, તો તેને વિકૃત સ્વરૂપ આપવાને બદલે સ્વીકારવાની માનસિકતા કેળવવી જરૂરી છે.

​મૃગી કુંડ કે શાહી સ્નાન અંગેના કોઈ સ્પષ્ટ કાયદાકીય પ્રતિબંધોના પાટિયા ત્યાં જોવા મળતા નથી. જ્યારે સ્વામિનારાયણ જેવા સંપ્રદાયોમાં મહિલાઓ માટેના ક્ષેત્રો સ્પષ્ટ હોય છે, ત્યારે અહીં ઉદ્ધોષકો કે વ્યવસ્થાપકો દ્વારા આવી કોઈ સ્પષ્ટતાના અભાવે વિવાદો જન્મે છે. કૌરવ સભામાં ભીષ્મ-દ્રોણ જેવા ગુરુઓના મૌન જેવું મૌન આજે પણ જોખમી સાબિત થઈ શકે છે.

​વર્ષ ૨૦૧૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૬માં અધિવેશનમાં પણ આ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં અનેક દિગ્ગજો ઉપસ્થિત હતા. ગિરનારની ગરિમા અને તેના નામ પાછળ છુપાયેલી નારીશક્તિની ઓળખને ફરી સ્થાપિત કરવાનો આ યોગ્ય સમય (મોકા ભી હૈ ઔર દસ્તુર ભી) છે.

​અંતે, જગત કાજી બનવા કરતા સત્યને સમજવું વધુ જરૂરી છે. ગિરનાર એ માત્ર પથ્થરોનો પહાડ નથી, પણ ‘ગિરી-નાર’ એટલે કે શક્તિનું જીવંત સ્વરૂપ છે, જ્યાં દરેક ભક્ત પછી તે સ્ત્રી હોય કે પુરુષ સમાન રીતે આશીર્વાદના અધિકારી છે.

Related Posts