અમરેલી

અમરેલી ખાતે યુથ એસેમ્બલી કાર્યક્રમ યોજાશે : ૧૫ થી ૨૯ વયના યુવાઓએ તા. ૨૭ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવી

ગુજરાતના યુવક અને યુવતીઓમાં લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો વિકસે તથા યુવા વર્ગમાં મતદાનના મહત્વને લઈને વધારો થાય. ચૂંટણી વ્યવસ્થાની માહિતી યુવાઓને મળે જેના થકી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રના લોકતંત્રને મજબૂતી મળે તે માટે સૌપ્રથમવાર વિધાનસભા સીટ લેવલે યુથ એસેમ્બલી સ્પર્ધાનું આયોજન કરવામાં થશે. ત્યારબાદ અમરેલી જિલ્લાકક્ષાએ પણ આયોજન હાથ ધરવામાં આવશે.

આ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વયના યુવક,યુવતીઓ ભાગ લઈ શકે છે. કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોએ વિષય મુજબ (૧) ચૂંટણીમાં મતદાનનું મહત્વ (૨)આબોહવા પરિવર્તન – પૃથ્વી માટે સૌથી મોટો ખતરો (૩) એ.આઈ વરદાન કે અભિશાપ (૪) ફિટ ભારત,હિટ ભારત (૫) આત્મનિર્ભર ભારત-ભારતમાં બનાવો, વિશ્વ માટે બનાવો. સ્પર્ધકોએ આ વિષયો હેઠળ પોતાના વિચારો રજૂ કરવાના રહેશે અને તે માટે ૫-૧૦ મીનિટનો સમય મળશે.

આ સ્પર્ધામાંથી જિલ્લાના એક વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેશે. ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૭.૦૨.૨૦૨૬ છે. ઈચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ,બ્લોક સી, રૂમ નં.૧૧૦,૧૧૧ અમરેલી ખાતે નિયત નમુના મુજબની અરજી કરવાની રહેશે અને આ સરનામે મોકલવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts