ગુંજશે આનંદ અહીં ને શાંતિની શરણાઈ હશે,
સાથે મળી ઉજવશું ઈદ ને રામનવમીની વધાઈ હશે.
ખભે ખભો મિલાવીને જે રક્ષણ કાજે ઉતર્યા માર્ગ પર,
એ ખાખીના ખમીરમાં જ જનતાની સુરક્ષાની કમાઈ હશે.
–“પાંધી સર”
આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર રમઝાન ઈદ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ‘રામનવમી’ના તહેવારોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા શહેરમાં શાંતિ, ભાઈચારો અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ભવ્ય ‘ફૂટ માર્ચ’ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલાના એ.એસ.પી. ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ફૂટ માર્ચમાં સાવરકુંડલા ટાઉન પોલીસ મથક તેમજ અર્બન પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ પરેડ શહેરના સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી.
આ કવાયતનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને એ હતો. આ સંદર્ભે એ.એસ.પી. ગઢવી સાહેબે જણાવ્યું હતું કે, લોકો નિર્ભય બનીને પોતાના પર્વોની ઉજવણી કરી શકે અને શહેરમાં કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે અમારી પ્રાથમિકતા છે. માર્ચ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિકો સાથે સંવાદ કરી શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી.
















Recent Comments