ભાવનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે બોરતળાવ ખાતે હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી પ્રાર્થના કરી

ભાવનગર શહેરના બોરતળાવ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભક્તિભાવ અને
ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શ્રી
સ્થાપનાથ મહાદેવ મંદિરમાં મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાનશ્રીના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને
સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીને
શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષના જાહેરજીવન અને
જનસેવા થકી રાષ્ટ્રસેવાના સંકલ્પને બિરદાવવા ભાવનગરમાં વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અંતર્ગત બોરતળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરજનોએ સહભાગી બની વડાપ્રધાનશ્રીના
જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બોરતળાવ ખાતે મા નર્મદાના પવિત્ર જળના વધામણાં પણ
કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર જીવન
મા ભારતીની સેવા અને દેશની જનતાના કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે. દેશ કેવી રીતે આગળ વધે અને

દેશની જનતા કેવી રીતે પ્રગતિ કરે, તેવા સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રી સતત કાર્યરત રહ્યા છે. જાહેરજીવનના
૨૫ વર્ષ દરમિયાન તેમણે દેશ અને રાજ્યની જનતાના આશીર્વાદથી મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે
અનેક સેવાકીય કાર્યો કર્યા છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી માત્ર ઉજવણી પૂરતી સીમિત નથી
પરંતુ આ દિવસ સેવા સંકલ્પ અભિયાનને વધુ વેગ આપવાનો અને જરૂરિયાતમંદ લોકો સુધી સરકારની
કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો દિવસ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી
લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કાર્ય થયું છે. સમાજના છેવાડાના માનવી સુધી વિકાસ અને
કલ્યાણની યોજનાઓ પહોંચે તે માટે સૌએ સેવાભાવ સાથે કાર્ય કરવાનો સંકલ્પ કરવો જોઈએ.
તેમણે ભાવનગરની જનતાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શહેરની શેરીઓ, ગલીઓ, વોર્ડ અને
બોરતળાવ ખાતે ભાવેણાવાસીઓએ જે ઉત્સાહ અને લાગણી સાથે વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી
કરી છે તે અભિનંદનીય છે. હજારો નાગરિકોએ આશીર્વાદના દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીના સારા
સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના જીવનમાંથી આપણે અનેક પ્રેરણાઓ મેળવી શકીએ છીએ. મા
ભારતી માટે કાર્ય કરતી વખતે દેશહિતને સર્વોપરી રાખવાનો સંકલ્પ દરેક નાગરિકે કરવો જોઈએ. આપણા
કોઈ કાર્યથી દેશને નુકસાન ન થાય અને દેશની પ્રગતિમાં આપણું યોગદાન રહે તેવો સેવાભાવ કેળવવો
જરૂરી છે. દેશની ૧૪૦ કરોડ જનતા સેવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે આગળ વધે તે વડાપ્રધાનશ્રીના
જન્મદિવસની સાચી ઉજવણી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વગુરુના સ્થાને પહોંચવા માટે આગળ વધી રહ્યું છે. આ
વિકાસયાત્રામાં દરેક નાગરિકની ભાગીદારી મહત્વપૂર્ણ છે. જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને તેમને
સહાયરૂપ થવું અને સમાજમાં સેવાભાવના કાર્યોને વેગ આપવો એ સૌની સામૂહિક જવાબદારી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વધુ શક્તિશાળી અને આત્મનિર્ભર બને તે માટે સૌએ
સંકલ્પબદ્ધ થવું જોઈએ.
મંત્રીશ્રીએ ભગવાન મહાદેવ અને મા નર્મદાને પ્રાર્થના કરી હતી કે વડાપ્રધાનશ્રીને સારું સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય
અને દેશસેવા માટે સતત શક્તિ પ્રાપ્ત થાય તથા તેમના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુના સ્થાને પહોંચે.
બોરતળાવ ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી
વડાપ્રધાનશ્રીના સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ભક્તિભાવ અને ઉત્સાહ સાથે
યોજાયેલા આ કાર્યક્રમમાં નગરજનોએ વડાપ્રધાનશ્રી પ્રત્યેની પોતાની લાગણી અને શુભેચ્છાઓ વ્યક્ત કરી
હતી.
આ પ્રસંગે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ. એન. કે. મીના, રેન્જ આઈ.જી. શ્રી રાજેન્દ્ર અસારી સહિત
ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts