વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનો
દીપ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરચલીયા પરા સ્થિત અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ. ખાતે
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની
ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કરચલીયા પરાના મોટી સંખ્યામાં રહેવાસીઓ સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સૌએ એકસાથે ૬,૫૦૦ દીવડાઓ પ્રગટાવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ વડાપ્રધાનશ્રીને
દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખમય જીવન પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ૬,૫૦૦
દીવડાઓની ઝગમગતી રોશનીથી કરચલીયા પરા પ્રકાશમય બની ઉઠ્યો હતો.
આ અવસરે વડાપ્રધાનશ્રીની પ્રતિકૃતિ તેમજ અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમ.ની પ્રતિકૃતિ દીવડાઓથી ઝળહળી
ઊઠી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ગ્રેઈન એટીએમ ટેકનોલોજી અને
જનસેવાને જોડતી ઉત્તમ પહેલ છે. વન નેશન, વન રાશન કાર્ડની વ્યવસ્થાથી દેશના કોઈપણ રાજ્યમાં
વસતા લાભાર્થીઓને તેઓ જ્યાં હોય ત્યાંથી પોતાના મળવાપાત્ર રાશનનો લાભ મળી શકે છે. વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને તેના
જીવનમાં પરિવર્તન આવે તે દિશામાં સરકાર સતત કાર્યરત છે.
આ પ્રસંગે લાભાર્થીઓએ અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમમાંથી મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જથ્થો મેળવ્યો હતો.
ગ્રેઈન એટીએમ દ્વારા સરળતાથી અનાજ મેળવવાની સુવિધા બદલ લાભાર્થીઓએ આનંદ વ્યક્ત કરી
સરકારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે નગરસેવક શ્રી નરેશભાઈ મકવાણા, શ્રી બિન્દુબેન પરમાર, નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.
ગોવાણી, પૂર્વ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ સહિત મોટી
સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments