અમરેલી

સ્થાનિક ચૂંટણી દરમિયાન અનધિકૃત ચોપાનિયા, પોસ્ટર, ભીંતપત્રો છપાવવા અને લગાડવા પર પ્રતિબંધ

અમરેલી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર સ્થળોએ અનધિકૃત રીતે ચોપાનિયા, પોસ્ટરો, બેનરો તથા ભીંતપત્રો લગાવવાના બનાવો અટકાવવા અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલિપસિંહ ગોહિલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ, સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હો અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીય કે ભીંતપત્રો, પોસ્ટર્સ, કટઆઉટસ હોર્ડિંગ્સ, બેનર્સ છાપવા-લગાવવા કે પ્રસિદ્ધ કરી શકશે નહીં. હોર્ડિંગ્સની સાઇઝ ૧૫ ફુટ / ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહીં અને કટઆઉટની સાઇઝ ૮ ફૂટથી વધવી જોઈએ નહીં.

જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ, સંસ્થા લગતા ચોપાનીય કે ભીંતપત્રો, પોસ્ટર્સ, કટઆઉટસ હોર્ડિંગ્સ, બેનર્સ છાપવા માટે તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકની આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે સાત દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને મોકલી હોય તો અધિકૃત ગણાશે.

હાથે નકલો કરવા સિવાયની લખાણીની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે. ચૂંટણી અંગેના છાપેલા કોઈ પણ ચોપાનીયા કે ભીંતપત્રો રે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ સરનામા, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે.

મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સંબંધિ ચૂંટણી અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.

આ જાહેરનામું તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના સંબંધિત પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનું કડક અમલીકરણ કરવા સત્તા આપવામાં આવી છે. આ જાહેરનામું જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી-પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં અમલમાં રહેશે. 

Related Posts