અમરેલી

૬૭ વર્ષની વયે પણ પ્રતિદિન ૮ થી ૧૦ કિમીનું ભ્રમણ: સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીનો ‘વોકિંગ મંત્ર’

​આજના ભાગદોડભર્યા અને તણાવપૂર્ણ જીવનમાં માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવું એક મોટો પડકાર બની ગયો છે. ઘણીવાર તણાવપૂર્ણ પરિસ્થિતિમાં માત્ર થોડું ચાલવાથી જ મન અચાનક શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે. આ બાબત પાછળ ઊંડું વિજ્ઞાન રહેલું છે. આપણું મગજ માત્ર તણાવને જ નહીં, પરંતુ તે કઈ જગ્યાએ બન્યો હતો તે વાતાવરણને પણ યાદ રાખે છે. જેથી થોડું ચાલવાથી વાતાવરણ બદલાય છે, મગજને નવા સંવેદનાત્મક અનુભવો મળે છે અને શરીર તણાવના હોર્મોન્સને સહજતાથી પ્રોસેસ કરી શકે છે.

​આ વૈજ્ઞાનિક સત્યનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સાવરકુંડલા શહેરના અનુભવી અને સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધી. ૬૭ વર્ષની વયે પણ તેઓ પ્રતિદિન અંદાજિત ૮ થી ૧૦ કિલોમીટર જેટલું નિયમિત ચાલવાનો નિયમ ધરાવે છે. આ દિનચર્યા તેમના માટે માત્ર એક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક સુંદર શૈલી બની ગઈ છે.

​બિપીનભાઈ પાંધી જણાવે છે કે પ્રાતઃકાળના શાંત વાતાવરણમાં ચાલતી વખતે વહેલી સવારનો તરોતાજા પ્રાણવાયુ ફેફસાંથી હૃદય સુધી પહોંચે છે, જે શરીર અને મનમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે. ચાલવાની આ પ્રક્રિયા દરમિયાન તેઓ હરિસ્મરણ કરે છે, પોતાની જાત સાથે ગહન સંવાદ સાધે છે અને દેશ-દુનિયાના વિવિધ સાંપ્રત મુદ્દાઓ પર મનોમંથન પણ કરે છે.

​આ સાથે જ, પ્રકૃતિને મન ભરીને માણવાની સાથે મનગમતા ગીતો અને ગઝલો લલકારવાનો આનંદ પણ તેઓ મેળવે છે. ‘ચલ અકેલા…’ અને ‘નીલે ગગન કે તલે…’ જેવા ગીતોના ભાવ સાથે કુદરતની ગોદમાં વિતાવેલી આ પળો તેમના સમગ્ર દિવસને ઉત્સાહથી ભરી દે છે.કદાચ થોડા સમય માટે ચાલવા માટે કંટાળો પણ આવે પણ ચાલતો રહેજે ચાલતો રહેજે.. એ જીવનમંત્ર સાથે થોડા સમય બાદ તેના મીઠા ફળ પણ ચાખવા મળશે અને પછી એ જીવનક્રમનો એક અભિન્ન અંગ બની જશે. 

Related Posts