અમરેલી

આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જગપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારીબાપુ, સહિત પૂજ્ય સંતોના પ્રેરણાત્મક સાનિધ્યમાં “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર” લોકાર્પણ-મુખ્ય સ્ટેજ કાર્યક્રમ યોજાયો

રાજુલા પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ગરીબ,વંચિત નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે અત્યાધુનિક “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું.

રાજ્યના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જગપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારીબાપુ, સહિત પૂજ્ય સંતોના પ્રેરણાત્મક સાનિધ્યમાં સુવિધાસંપન્ન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો લોકાર્પણ-મુખ્ય સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ૧૦૦ ટકા નિ:શુલ્ક હોસ્પિટલના નિર્માણ અર્થે રાજુલાના મૂળ વતની અને વતનના રતન એવા ઉદ્યોગસાહસિક સ્વ. અનિલકુમાર મહેતા પરિવાર દ્વારા અંદાજે રૂ.૨.૫ કરોડ જેટલી રકમનું સખાવતી દાન આપવામાં આવ્યું છે, સાથે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા ભૂમિદાન થકી હોસ્પિટલ નિર્માણનો સંકલ્પ ધરાતલ ઉપર સિદ્ધ થયો છે.

જગપ્રસિદ્ધ કથાકાર પૂ.મોરારી બાપુએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજુલાની પવિત્ર ભૂમિ પર આરોગ્યના પવિત્ર સેવાયજ્ઞના પ્રારંભ થકી છેવાડાના ગરીબને પણ નિ:શુલ્ક આરોગ્ય સેવા મળશે. તેમણે ઉમેર્યું કે, માનવી સખાવતી ભાવે કર્તવ્ય સાથે કર્મ કરીને પોતાના વ્યાવસાયિક ક્ષેત્રમાંથી તન, મન અને ધનથી સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે વિચારીને સમાજ ઉપયોગી કાર્યો કરે તે અનિવાર્ય છે. જેના થકી સમાજ વધુને વધુ સશક્ત બની શકે છે. તેમણે આ આરોગ્યના દિવ્ય અને પવિત્ર સેવાયજ્ઞ માટે સર્વ દાતાશ્રીઓના કાર્યની સરાહના કરી હતી. સાથે આ યજ્ઞમાં આહૂતિ સ્વરૂપ યથાયોગ્ય આહૂતિ આપવા ઉપસ્થિત સૌને વિનમ્ર અનુરોધ કર્યો હતો.

પૂર્વ ધારાસભ્યશ્રી અંબરિષભાઈ ડેરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, રાજુલા પંથકના તમામ ગામડાઓને આ હોસ્પિટલ થકી તદ્દન મફતમાં તમામ પ્રકારની જરૂરી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે. ઉપસ્થિત સર્વ સંત-મહાત્મન ગણ અને મહાનુભાવોનું સૂત્રની આંટી અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્યમાં સરકાર અને જાહેર ટ્રસ્ટોના સહયોગથી આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બની રહી છે. છેવાડાના નાગરિકો સુધી આરોગ્ય સેવાનો લાભ પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં રૂ. ૨૧૫ કરોડના ખર્ચે જે બાળકો બોલી અથવા સાંભળી નથી શકતા તેમને જરૂરી આરોગ્ય સેવાઓ-સુવિધાનો લાભ મળ્યો છે. મંત્રીશ્રીએ સર્વાઈકલ કેન્સરનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, સમગ્ર ભારતમાં અત્યારસુધીમાં કુલ ૫ લાખ જેટલી દીકરીઓને રસીકરણનો લાભ મળતાં સંભવિત સર્વાઈકલ કેન્સર સામેની લડત વધુ મજબૂત બની રહી છે. મંત્રીશ્રીએ ફેમિલી ડોક્ટરની સાથે ફેમિલી ફાર્મરની જરૂરીયાત ઉપર ભારપૂર્વક જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ સમયની પ્રમુખ માંગો પૈકીને એક માંગ છે, જેના થકી સંભવિત આરોગ્ય ખતરાઓને ટાળી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત ૧૦૦ બેડની નિઃશુલ્ક હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ હોસ્પિટલમાં ઓ.પી.ડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનેકોલોજી, સર્જરી સહિત આશરે ૧૦ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. 

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, નિ:શુલ્ક ઉત્તમ આરોગ્ય સેવાઓની પહોંચ હવે રાજુલા પંથકના છેવાડાના વિસ્તારો સુધી સુનિશ્ચિત થશે.

મૂળ રાજુલાના ઉદ્યોગપતિશ્રી સ્વ.અનિલકુમાર નંદલાલ મહેતા પરિવારના સભ્ય શ્રી અજય મહેતાએ આ આરોગ્ય મંદિર-હોસ્પિટલના નિર્માણ સંકલ્પનાની સફળ યાત્રા વિષયક સમગ્રતયા ચિતાર રજૂ કર્યો હતો અને જણાવ્યું કે, અમને સર્વપ્રથમ દાતાશ્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે અમારા માટે ગૌરવની ક્ષણ હતી. ઉલ્લેખનીય છે કે, “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર” લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્રના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

આ પ્રસંગે વિઝન ફાઉન્ડેશનના ડોક્ટર શ્રી કુલીન કોઠારીએ ‘અંધાપામુક્ત તાલુકાઓ’અભિયાનનો શુભારંભ કર્યો હતો જેની શરૂઆત રાજુલા તાલુકાથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સમગ્ર ભારતમાં અત્યારસુધીમાં અમારા ફાઉન્ડેશન હેઠળ અંદાજિત ૭.૫ લાખથી વધુ દર્દીઓના આંખના ઓપરેશન નિઃશુલ્ક ધોરણે કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી અંબરીશભાઈ ડેર, શ્રી અજયભાઈ મહેતા, દાતાઓ શ્રી માયાભાઈ આહીર સહિત રાજુલાના રહેવાસીઓએ હોસ્પિટલના પ્રાંગણમાં અભિવાદન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સર્વ સંતગણ શ્રી પૂ. દિલિપદાસજી બાપુ-જગન્નાથ મંદિર,અમદાવાદ, મોંઘીમાની જગ્યા શિહોરના સંતશ્રી જીણારામ બાપુ, ભાગવદ્ કથાકાર શ્રી જીગ્નેશદાદા, મહાકાળી આશ્રમ ઠવીના સંત શ્રી પૂ. ધનસુખનાથજી બાપુ, રામપરા સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ, ધરમપુરથી શ્રી શરદદાદા વ્યાસ, ચલાલા દાનબાપુની જગ્યાના સંત શ્રી વલકુબાપુ, વિદ્યાવાચસ્પતી શ્રી મહાગેવપ્રસાદજી, માનવમંદિર-સાવરકુંડલા સંત શ્રી ભક્તિરામ બાપુ, પૂ. ઉર્જામૈયા સહિતના સંત, શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન અગ્રણી શ્રી હરેશભાઈ મહેતા, અનુભવી સમાજ સેવક શ્રી પ્રવીણભાઈ લહેરી અને બીપીનભાઈ લહેરી સહિતના ટ્રસ્ટીશ્રીઓ, મહાનુભાવો, સ્થાનિક અગ્રણીશ્રીઓ, બહોળી સખ્યામાં રાજુલા પંથકના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts