‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના મંત્રને સાકાર કરતાં, સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ નો આજે ગાંધીનગરથી ગુજરાતના તમામ પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ નવીન પહેલથી ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી એપ-આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી વિશ્વની સૌથી મોટી અને ચાલકોની માલિકી ધરાવતી સહકારી મોબિલિટી સંસ્થા ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વઘાણી તેમજ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહ અને સહકાર મંત્રી શ્રી શાહે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓ વાહનચાલકોને માત્ર ડ્રાઇવર ગણીને તેમનું શોષણ કરતી હતી, કમિશનના નામે કમાણી પડાવી લેતી હતી અને કોઈ સુનાવણી વગર રજીસ્ટ્રેશન બ્લોક કરી દેતી હતી. પરંતુ ‘ભારત ટેક્સી’માં આ વાહનચાલકો માત્ર ડ્રાઇવર નથી, પણ ‘સારથિ’ તરીકે ઓળખાય છે. આજે દેશભરના ૭ લાખથી વધુ સારથિઓ રૂ. ૧૦૦ના શેર સાથે ‘ભારત ટેક્સી’ના સહ માલિક-શેરહોલ્ડર બન્યા છે. આ મોડેલ માત્ર ગ્રાહકોને વ્યાજબી ભાવે સુરક્ષિત સવારી જ નથી આપતું, પરંતુ સારથિઓને સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિની ગેરંટી આપે છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આજે, એક મહિલા પશુપાલક કે જેમણે માત્ર રૂ. ૧૦૦ના શેરથી શરૂઆત કરી હતી, તે એક સિસ્ટમ એટલે કે અમૂલનો ભાગ છે, જે રૂ. ૧.૨૫ લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે. જેના પરિણામે અમૂલ વિશ્વની સૌથી વિશ્વસનીય ફૂડ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે.
બજારમાં ચાલી રહેલી સ્પર્ધા અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે, ‘ભારત ટેક્સી’ની એન્ટ્રી રોકવા માટે બજારની અન્ય મોટી કંપનીઓ અત્યારે જાણી જોઈને નુકસાન વેઠીને પણ ભાડાં ઘટાડી રહી છે. આ માત્ર ગેરમાર્ગે દોરવાની યુક્તિ છે. પરંતુ ‘ભારત ટેક્સી’ ન તો થાકશે તથા ન તો મેદાન છોડીને ભાગશે. સહકારી ભાવના અને સેવાના સંકલ્પ સાથે આ સંસ્થા અડગ ઊભી રહેશે. જેમ અમૂલ અને ઇફ્કોએ ખાનગી કંપનીઓ સામે સફળતા મેળવી છે, તેવી જ રીતે ‘ભારત ટેક્સી’ પણ ગ્રાહકો અને સારથિઓના હિતમાં વિજયી બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સેવાને મજબૂત બનાવવા માટે દેશની ટોચની સહકારી સંસ્થાઓ જેવી કે NCDC, ઇફ્કો, ક્રિભકો, NDDB, નાબાર્ડ અને અમૂલ જેવી સંસ્થાઓએ આર્થિક અને સંગઠનાત્મક પીઠબળ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, એએમસી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ટ્રાફિક પોલીસ અને પશ્ચિમ રેલ્વે સાથે જોડાણ કરીને આ સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આગામી બે વર્ષમાં ભારત ટેક્સી નાગપુર, પુણે, મુંબઈ, લખનઉ, ચંદીગઢ, જયપુર અને કોલકાતા જેવા દેશના ૫૦૦થી વધુ નાના-મોટા શહેરોમાં પોતાનો વિસ્તાર કરશે, તેમ કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારત ટેક્સી’ માત્ર ભાડા પૂરતી સીમિત નથી. આવનારા દિવસોમાં આ સહકારી સંસ્થા તેના સભ્યો-સારથિઓને સસ્તા દરે લોન અપાવવામાં મદદ કરશે, તેમના પરિવારો માટે વીમાની ચિંતા કરશે અને તેમના બિઝનેસ વિસ્તરણના મોડેલને પણ આર્થિક ટેકો આપશે. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે ભારત ટેકસીના ગુજરાતના તમામ સારથિ ભાઈ-બહેનોને ઉજ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધિની અનંત શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રી:-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શ્રી અમિતભાઈ શાહે દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે સહકાર ક્ષેત્રને અમુક સેક્ટર સુધી સિમીત ન રાખીને સહકારી મંડળીઓને પણ એક નાની કોર્પોરેટ કંપનીમાં બદલવાના સફળ પ્રયાસો હાથ ધર્યાં છે.
આવી જ એક અભિનવ પહેલ “ભારત ટેક્સી” સેવાનો ગુજરાતમાં આજે ગાંધીનગરથી શ્રી અમિતભાઈ શાહે શુભારંભ કરાવ્યો છે.
આ શરૂઆત વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વધુ મજબૂત બનાવશે. જે સહકાર ક્ષેત્ર માત્ર કૃષિ, પશુપાલન અને ડેરી તેમજ બેન્કીંગ સુધી મર્યાદિત હતું તે હવે શ્રમના સન્માન સાથે સારથિઓની ભાગીદારીનું મોડલ બનવાનું છે.
દિલ્હીમાં શ્રી અમિત શાહે ભારત ટેક્સીની શરૂઆત કરાવી હતી ત્યાંરે તેમણે કહ્યું હતું કે, શ્રમ કરતા લોકોની નફામાં પણ ભાગીદારીનું નામ જ સહકારિતા છે. આ વિચારધારાનો લાભ ગુજરાતના અનેક ટેક્સી ચલાવનારાઓને પણ થશે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ ભારતમાં શ્રમનું સન્માન કરવાનો અભિગમ “શ્રમ એવ જયતે”ના મંત્રથી અપનાવ્યો છે અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ વિચાર જ “ભારત ટેક્સી”ના મૂળમાં રહેલો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષો સુધી ટેક્સી ચલાવનાર ડ્રાઇવરો માત્ર સેવા આપતા રહ્યા, પરંતુ કંપનીઓના નફામાં તેમનો કોઈ હિસ્સો ન હતો અને બાંધ્યા પગારની ફિક્સ આવકમાં ગુજરાન ચલાવવું પડતું. આ વ્યથાને વ્યવસ્થામાં બદલવાના વિચારની સાથે ભારત ટેક્સીની શરૂઆત થઈ છે. હવે ડ્રાઇવર “સારથિ” કહેવાશે. સારથિ શબ્દ હવે આત્મનિર્ભરતા, આદર અને આત્મસન્માનનું પ્રતીક બનશે.
ભારતની ૮ મોટી સહકારી સંસ્થાઓના માધ્યમથી શરૂ થયેલી ભારત ટેક્સી એ સારથિની માલિકી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સહકારી માળખું બન્યું છે. શ્રી અમિતભાઈ શાહે ફેબ્રુઆરી ૨૦૨૬માં આ મોડેલની શરૂઆત કરાવી ત્યારથી આજ સુધીમાં ભારત ટેક્સીના ૭ લાખ સભ્યો થયાં છે અને ૩૭ લાખ ગ્રાહકોએ ટેક્સી સેવાનો લાભ લીધો છે. સહકારનું આ એક એવું મોડેલ છે, જેમાં વિકાસનું કેન્દ્ર માત્ર મૂડી નહિં, પરંતુ માનવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ નવી પારદર્શી પહેલના પરિણામે મુસાફરોને તમામ માહિતી સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થશે અને ભાડાના ધોરણો પારદર્શક રહેશે. જેથી ગ્રાહકો અને સારથિઓ બંનેના હિતોનું રક્ષણ થશે. જે મહિલાઓને વાહન ચલાવતા આવડતું હશે તેના માટે પણ “સારથિ દીદી” દ્વારા રોજગારીની તકો ઉભી થવાની છે અને માતા-બહેનોની સલામતી પણ વધવાની છે. સહકારી ક્ષેત્રોમાં અનેક નવી પહેલ દ્વારા ગુજરાતે દેશને હંમેશા નવી દિશા આપી છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સહકાર સે સમૃદ્ધિની દિશા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહે આપી છે.
સૌએ સાથે મળીને “ભારત ટેક્સી”ને માત્ર એક સેવા તરીકે નહીં, પરંતુ એક જનઆંદોલન તરીકે આગળ વધારવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
ભારત ટેક્સીના ગુજરાત લોન્ચિંગ પ્રસંગે ‘સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ’ના અધ્યક્ષ ડૉ. જયેન મહેતાએ સ્વાગત કરતાં કહ્યું હતું કે, ભારતના સહકાર મંત્રી શ્રી અમિત શાહના વિઝનથી શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ સાથે માત્ર પાંચ મહિનામાં જ ૭ લાખ સારથિઓ અને ૪૦ લાખ ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે. જેમાં ગુજરાતના ૧.૫ લાખથી વધુ સારથિ અને ૬ લાખ ગ્રાહકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમના અંતે સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડના સી.ઈ.ઓ. કર્નલ હિમાંશુ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
કેન્દ્રીય સહકારીતા મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ભારત ટેક્સીના વિવિધ ૦૬ સારથિ ભાઈ-બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, અદાણી એરપોર્ટ, અમદાવાદ પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા- સુરત, રાજકોટ અને વડોદરા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર-BRTS, ગુજરાત ટ્રાફિક પોલીસ સાથે વિવિધ સમજૂતી કરાર-MoU કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાતના ૧૪ પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં ભારત ટેક્સીની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે સંભવિત આગામી એક માસમાં સમગ્ર ગુજરાતમાં આ સેવા શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે અમૂલ ફેડરેશનના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ચૌધરી, કેન્દ્ર સરકારના સહકારિતા સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની, ગુજરાતનાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકી, ભારત ટેક્સીના સારથિ પ્રતિનિધિ શ્રી કિશનભાઈ પટણી, શ્રી ધારા વલ્લભ, સહકાર વિભાગના અગ્રણીઓ તેમજ ચાર હજારથી વધુ સારથિ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.


















Recent Comments