અમરેલી

રાજુલા શહેરનો મેઇન રોડ તાત્કાલિક પૂર્ણ કરો : ટીકુભાઈ વરુ

રાજુલા નગરપાલિકા દ્વારા શહેરના મેઇન રોડનું કામ છેલ્લા બે મહિનાથી ખોદકામ કર્યા બાદ અધૂરું મૂકવામાં આવ્યું હોવાથી શહેરની જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. રોડની કામગીરીમાં કોઈપણ પ્રકારની પ્રગતિ ન થતાં વેપારીઓ, વાહનચાલકો, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરુએ જણાવ્યું હતું કે, રાજુલા નગરપાલિકામાં ભાજપના તમામ 28માંથી 28 સભ્યો હોવા છતાં શહેરના મુખ્ય માર્ગોની આવી દયનીય સ્થિતિ શાસકોની નિષ્ફળતા અને નિષ્ક્રિયતા દર્શાવે છે. અનેક ગામડાઓમાં આ રોડ બાદ શરૂ થયેલા માર્ગોના કામો પણ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે રાજુલા શહેરનો મુખ્ય માર્ગ હજુ સુધી અધૂરો પડ્યો છે, જે શહેર માટે શરમજનક બાબત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી રાજુલા શહેરમાં પધારવાના કાર્યક્રમને લઈને લોકોને આશા હતી કે ઓછામાં ઓછું મુખ્ય માર્ગનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે અથવા રસ્તાની હાલત સુધારવામાં આવશે, પરંતુ તે પણ થઈ શક્યું નથી. જેના કારણે લોકોમાં ભારે નિરાશા અને અસંતોષ ફેલાયો છે.
ખોદકામ કરાયેલા રોડને કારણે ધૂળની સમસ્યા, ટ્રાફિક અવરોધ અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. વેપારીઓના ધંધા ઉપર પણ ગંભીર અસર પડી રહી છે અને રોજિંદા વાહન વ્યવહાર કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની જનતા હવે ત્રાહિમામ પોકારી ગઈ છે.
આ મુદ્દે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરુ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક અસરથી રોડનું કામ પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ અને રાજુલા નગરપાલિકાને જનતાની મુશ્કેલીઓ દૂર કરવા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.

Related Posts