જેને ગણી’તી મા અમોએ,
એ જ શેરીમાં રડે,
વૈભવ હતો જે દેશનો,
એ આમ ધૂળમાં આવી પડે!
ઘાસચારો ક્યાં ચરે?
ગૌચર બધા ગાયબ થયા,
આશ્રય વિના ગૌમાત આજે
રસ્તે-રસ્તે ભટકતી જડે!
–“પાંધી સર
ભારતીય સંસ્કૃતિમાં જેને ‘કામધેનુ’ અને ‘ગૌમાતા’નો સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે, તે જ ગૌધન આજે આધુનિક યુગમાં ભારે ઉપેક્ષાનો ભોગ બની રહ્યું છે. ઇતિહાસમાં જેના સંરક્ષણ માટે વીર દાદા જસરાજ જેવા શૂરવીરોએ મિંઢોળબંધા હોવા છતાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી, તે પૂજનીય પશુ આજે અસહાય અવસ્થામાં ભટકવા મજબૂર બન્યું છે. એક જમાનામાં જે ગૌધન માણસની સમૃદ્ધિની ઓળખ હતું, તે આજે મહાનગરો અને નગરોના મુખ્ય માર્ગો પર રઝળી રહ્યું છે.
શહેરોમાં અનેક ગૌશાળાઓ કાર્યરત હોવા છતાં રસ્તા પર રખડતી ગાયો અને નંદીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આ સમસ્યાના મૂળમાં ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો મુખ્ય કારણ છે. પરિણામે, ગાયો પાસે ચરવા માટે જગ્યા બચી નથી. ગૌચરનો આ પ્રશ્ન એટલો ગંભીર બન્યો છે જેટલો કોઈ પ્રજા માટે તેમની જન્મભૂમિ કે અસ્તિત્વનો પ્રશ્ન હોય!
ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ મૂંગા પશુઓને યોગ્ય આશ્રય કે ઠંડક પણ નસીબ થતી નથી. માત્ર જીવદયા પ્રેમીઓ અને ભાવિક નાગરિકો દ્વારા અપાતા ઘાસચારાના સહારે આ નંદીઓ પોતાનો જઠરાગ્નિ ઠારી રહ્યા છે. રસ્તાની વચ્ચોવચ બેસતા પશુઓના કારણે વાહનચાલકો, ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. પશુઓ સાથે વાહન અથડાવાના કારણે માત્ર નિર્દોષ ગૌધનને જ ઈજા નથી પહોંચતી, પરંતુ વાહનચાલકો પણ ગંભીર ઈજાઓનો ભોગ બનશે અથવા તો જીવ ગુમાવે છે. આજની મોંઘવારી, આયાતી તેલ અને ગેસની કટોકટી એ પ્રકૃતિ પ્રત્યે માનવીના અજ્ઞાનનું જ પરિણામ છે. ગાય પ્રત્યેની ઉપેક્ષાના ફળ આપણે ભોગવી રહ્યા છીએ. વાસ્તવમાં ગાય જો દૂઝણી ન હોય તો પણ તેના મળમૂત્ર એટલા કિંમતી છે કે તેનું પાલનપોષણ આસાનીથી થઈ શકે છે. સરકાર દ્વારા ગાય અને નંદી બંને માટે યોજનાઓ બહાર પાડવામાં આવી જ છે, પરંતુ લોકો દ્વારા તેમને રોડ કે શેરીઓમાં મુક્ત વિચરણ માટે છોડી દેવાતા અનેક પ્રશ્નો સર્જાય છે.
જેમ ભગવદ્ ગીતામાં માનવ જીવનના તમામ પ્રશ્નોનો આધ્યાત્મિક ઉકેલ છે, તેમ ગાયમાં માનવજીવનની તમામ ભૌતિક અને આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવાની ત્રેવડ છે. ગીતા અને ગાયના મહત્વને (Know How, What & Why) સમજવાનો આ યોગ્ય સમય છે.
માત્ર અસ્થાયી ધોરણે પશુઓને ડબ્બે પૂરવાને બદલે સરકારે આ દિશામાં કોઈ ચોક્કસ, કલ્યાણકારી અને દીર્ઘકાલીન યોજનાઓ બનાવવી જોઈએ. રખડતા માલઢોર માટે કાયમી આશ્રયસ્થાનની ફાળવણી કરવામાં આવે અને ગૌચરની તમામ જમીનોને તાત્કાલિક દબાણમુક્ત કરવામાં આવે તે સમયની મુખ્ય માંગ છે. સરકાર અને પ્રજા જેટલા વહેલા જાગૃત થશે, તેટલો જ સૌનો અને પ્રકૃતિનો ફાયદો છે.












Recent Comments