ધગધગતા એ જળથી અમે તારો અભિષેક કરીએ ભોળાનાથ,
કૈલાસના વાસી તારા અંતરની અગન અમે કેમ હરીએ ભોળાનાથ?
ઘર મૂકીને તારું તું બેઠો છે અહીં સાવરકુંડલાના ચોકમાં,
શીતળતા દેવા આવ્યા’તા,
પણ ખુદ અસમંજસમાં જળથી ફરીએ ભોળાનાથ!
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં ભૂગર્ભ જળ આધારિત પાણી વિતરણ વ્યવસ્થા કાર્યરત છે, જ્યાં સાતસોથી આઠસો ફૂટ ઊંડેથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા પાણી ખેંચવામાં આવે છે. આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે જ્યારે શહેરમાં પાણીનું વિતરણ થાય છે, ત્યારે તે પાણી ભારે ગરમ અને ઉકળતું હોય છે. સામાન્ય નાગરિકોને આ પાણી પીવા કે સ્નાન માટે વાપરવું હોય તો પણ તેમાં બરફ ઉમેરવો પડે તેવી સ્થિતિ છે.
હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી અમુક શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે અને પાણીનો વપરાશ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, શિવલિંગની ઉત્પત્તિ અગ્નિના ધગધગતા દૈવી પદાર્થમાંથી થઈ હોવાથી, તેમને શાંત કરવા અને શીતળતા આપવા માટે જ ઠંડા જળ, દૂધ કે પંચામૃતથી જલાભિષેક કરવામાં આવે છે. હિમાલયના કૈલાસ શિખર પર બિરાજતા ભોળાનાથને શીતળતા પ્રિય છે, જેના કારણે શિવલિંગ પર પંખાઓ પણ લગાવવામાં આવતા હોય છે.
પરંતુ સાવરકુંડલામાં સર્જાયેલી સ્થિતિ મુજબ, અમુક મંદિરોની ટાંકીમાં સંગ્રહિત ઠંડું પાણી પૂરું થઈ જતાં, વિતરણમાં આવતું તાજું ગરમ પાણી જલાભિષેક માટે વાપરવાની ફરજ પડી રહી છે. આધુનિક સમયમાં મોટાભાગના ભક્તો ઘરેથી જળ લાવવાને બદલે મંદિરની વ્યવસ્થા પર નિર્ભર રહે છે. જો કે, આ બાબતમાં મંદિરના પૂજારીઓનો કોઈ દોષ નથી, કારણ કે તેઓ પોતાની ક્ષમતા મુજબ જળસંગ્રહ કરે છે, પરંતુ જરૂરિયાત વધતાં આ ઉકળતું જળ વાપરવું વિસંગતતા સર્જે છે. ભક્તો અત્યારે પૂર્ણ આસ્થા સાથે ગરમ જળથી જ અભિષેક કરી રહ્યા છે, પણ મનમાં એક જ સવાલ રમી રહ્યો છે કે
શાસ્ત્રોક્ત રીતે આ ગરમ જલાભિષેક કેટલો યોગ્ય?
જો કે ભોળાનાથ તો ભાવના ભૂખ્યા છે, એ તો ભક્તોનો શુદ્ધ ભાવ જોઈને જ રાજી થઈ જાય છે!
















Recent Comments