અમરેલી

ચીખલી ગામે એફ.પી. વોલના નિર્માણ તથા ભેસાણીયા ડેમના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગના કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળતા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ અને જળસંરક્ષણને વધુ મજબૂત બનાવવાના
હેતુથી રાજ્ય સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ વિકાસકાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં
ચીખલી ગામે પુર સરક્ષણ દીવાલ (Flood Protection Wall) ના નિર્માણ માટે રૂ. 49.96 લાખ
તેમજ ભેસાણીયા ડેમના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગ (“પુનઃસ્થાપન અને મજબૂતીકરણ”) માટે રૂ. 33.20
લાખની સૈદ્ધાંતિક મંજૂરી મંજૂર કરવામાં આવી છે.
આ મંજૂરી મળતા ચીખલી ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ચીખલી ગામમાં
પુર સરક્ષણ દીવાલ ના નિર્માણથી વરસાદી ઋતુ દરમિયાન પાણીના પ્રવાહથી થતા નુકસાનને
અટકાવવામાં મદદ મળશે તેમજ ગામની સુરક્ષામાં વધારો થશે. બીજી તરફ ભેસાણીયા ડેમના
રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગ (“પુનઃસ્થાપન અને મજબૂતીકરણ” )ના કાર્યથી ડેમની મજબૂતાઈ વધશે,
જળસંગ્રહ ક્ષમતામાં સુધારો થશે અને ખેડૂતોને સિંચાઈ માટે વધુ સુવિધા ઉપલબ્ધ બનશે.
આ બંને કાર્યો પૂર્ણ થતાં વિસ્તારના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામજનોને સીધો લાભ મળશે. ખાસ
કરીને પાણીના સંગ્રહ અને સંરક્ષણ ક્ષેત્રે આ કામગીરી મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા
ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અને જળસંપત્તિના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી
રહ્યું છે, જેના પરિણામે આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોને મંજૂરી મળી રહી છે.

ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સતત જનહિત અને વિકાસલક્ષી
અભિગમ સાથે કાર્ય કરી રહી છે, જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની
રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ વિસ્તારના વિકાસ માટે વધુ
યોજનાઓ અને કાર્યોને મંજૂરી પ્રાપ્ત થશે, જેના દ્વારા સાવરકુંડલા-લીલીયા વિસ્તારના સર્વાંગી
વિકાસને નવી ગતિ મળશે.

આ વિકાસલક્ષી કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી મળતા સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય
મહેશભાઈ કસવાલા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જળશક્તિ મંત્રી
ઈશ્વરસિંહ પટેલ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts