અમરેલી

અમરેલીના ગીર વિસ્તારમાં જાપાનની મિયાઝાકી કેરીનું ઉત્પાદન શરૂ, એક કિલોનો ભાવ ₹1.50 લાખથી ₹3 લાખ સુધી

અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કેસર કેરી બાદ હવે વિશ્વપ્રસિદ્ધ જાપાનની મિયાઝાકી કેરીનું સફળ ઉત્પાદન શરૂ થતાં ખેડૂતો અને બાગાયત ક્ષેત્રમાં નવી આશા જાગી છે. ધારી તાલુકાના ગોવિંદપુર ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ રમણિકભાઈ વણપરિયાએ પોતાના બગીચામાં મિયાઝાકી કેરીનું સફળ વાવેતર કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

નરેન્દ્રભાઈએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે અને મૂળ રાજકોટના રહેવાસી છે. હાલ તેઓ ગોવિંદપુર ખાતે પાંચ વીઘા જમીનમાં વિવિધ પ્રકારની કેરીનું વાવેતર કરે છે. તેમના બગીચામાં કેસર, બારમાસી સહિત લગભગ 50 જેટલી વિવિધ કેરીની જાતોનું સંવર્ધન કરવામાં આવ્યું છે. આ તમામ જાતોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી જાપાનની મિયાઝાકી કેરી હાલમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.

નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મિયાઝાકી કેરીનો પ્રથમ છોડ દક્ષિણ ભારતના એક વિસ્તારમાંથી આશરે ₹7,000ના ખર્ચે મંગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના સંવર્ધન દ્વારા આજે પોતાના ખેતરમાં 100 જેટલા છોડ તૈયાર કરવામાં આવ્યા છે. આ છોડોની વિશેષ કાળજી લેવામાં આવે છે અને સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી તેનું સંચાલન કરવામાં આવે છે.

મિયાઝાકી કેરીના છોડને જીવામૃત, ગોળ, છાશ અને દેશી ખાતર જેવા કુદરતી પોષક તત્વો આપવામાં આવે છે. રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ટાળીને ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદન મેળવવામાં આવે છે. હાલ ત્રીજા વર્ષે આ છોડમાંથી ઉત્પાદન મળવાનું શરૂ થયું છે. ગયા વર્ષે આશરે 10 કિલોગ્રામ ઉત્પાદન મળ્યું હતું, જ્યારે આ વર્ષે 100 છોડમાંથી અંદાજે 25 કિલોગ્રામ જેટલું ઉત્પાદન પ્રાપ્ત થયું છે.

વિશ્વ બજારમાં મિયાઝાકી કેરીને “એગ્સ ઓફ સન” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ગાઢ લાલ રંગની છાલ, ઉત્તમ મીઠાશ અને વિશિષ્ટ ગુણવત્તાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ છે. આ કેરીનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલોગ્રામ ₹1.50 લાખથી લઈને ₹3 લાખ સુધી પહોંચે છે. તેથી તેને દુનિયાની સૌથી મોંઘી કેરીઓમાં સ્થાન મળ્યું છે.

નરેન્દ્રભાઈ જણાવે છે કે મિયાઝાકી કેરીના છોડ ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેની ખાસ દેખરેખ રાખવી પડે છે. યોગ્ય પોષણ, પાણીનું સંચાલન અને જીવાતોથી સુરક્ષા માટે સતત ધ્યાન આપવું જરૂરી બને છે. હાલમાં તેમણે હજુ સુધી આ કેરીનું વ્યાવસાયિક વેચાણ કર્યું નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડતાં અનેક લોકો ખરીદી માટે સંપર્ક કરી રહ્યા છે.

ગીર વિસ્તાર કેસર કેરી માટે વિશ્વભરમાં જાણીતો છે, ત્યારે હવે મિયાઝાકી જેવી દુર્લભ અને ઉચ્ચ મૂલ્ય ધરાવતી કેરીનું ઉત્પાદન શરૂ થતાં અમરેલી જિલ્લાના ખેડૂતો માટે આવનારા સમયમાં નવી આવકના દ્વાર ખુલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે થયેલી આ સફળતા અન્ય ખેડૂતોને પણ ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળોના વાવેતર તરફ પ્રેરણા આપશે.

Related Posts