કનેક્ટિવિટી એ કોઈપણ શહેરની પ્રગતિનું માપદંડ છે. એક આધુનિક અને એકીકૃત પરિવહન માળખું વિકાસ, રોજગારી, પ્રવાસન અને લોકોના જીવનની ગુણવત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વિશ્વસ્તરીય મેટ્રો નેટવર્કની પરિકલ્પના કરી હતી, જેનો ઉદ્દેશ ટ્રાફિકના દબાણમાં ઘટાડો, શહેરો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી અને કાર્યક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થા દ્વારા શહેરી વિકાસને નવી ગતિ આપવાનો હતો.
આ વિઝનના પરિણામે આજે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2ના સફળ અમલીકરણ બાદ 68.28 કિલોમીટર લાંબા નેટવર્ક અને 54 સ્ટેશનો સાથે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો આજે લાખો નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. AMC, GMC, AMTS, BRTS, RAILWAYS જેવી સ્થાનિક સંસ્થાઓ સાથે મજબૂત સંકલન દ્વારા મુસાફરોને છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 200થી વધુ બસો મેટ્રોના સ્ટેશનોથી પસાર થાય છે.
મેટ્રોને મળ્યો જનવિશ્વાસનો સાથ: દૈનિક મુસાફરોની સંખ્યા 1.6 લાખ સુધી પહોંચી
ગુજરાત સરકારના ‘ઇઝ ઑફ લિવિંગ’ના મંત્રને સાકાર કરતું 68.28 કિમી લાંબું મેટ્રો રેલ નેટવર્ક અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોની સુવિધામાં વધારો કરવાની સાથે સમયની બચત પણ કરી રહ્યું છે. પરિણામે આજે લાખો મુસાફરો મેટ્રો સેવાનો લાભ લઈ રહ્યા છે. વર્ષ 2023માં સરેરાશ દૈનિક 69 હજાર મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો. આ આંકડો વધીને વર્ષ 2024માં 1.01 લાખ અને વર્ષ 2025માં 1.33 લાખ સુધી પહોંચ્યો હતો. વર્ષ 2026ના મે મહિના સુધીમાં દૈનિક મુસાફરોની સંખ્યા 1.53 લાખ સુધી પહોંચી છે. આ દર્શાવે છે કે અમદાવાદ-ગાંધીનગરના નાગરિકો માટે મેટ્રો આજે માત્ર એક પરિવહનનું માધ્યમ જ નહીં, પરંતુ ઝડપી, કિફાયતી અને વિશ્વસનીય મુસાફરી માટે પસંદગીનો વિકલ્પ બની ગઈ છે.
ઑક્ટોબર 2022થી મે 2026 સુધીમાં 13 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાના કારણે મુસાફરોને સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહનનો અનુભવ મળ્યો છે. મેટ્રો સેવાને મળતા વ્યાપક પ્રતિસાદનો અંદાજ કુલ મુસાફરોના આંકડા પરથી લગાવી શકાય છે. ઑક્ટોબર 2022માં મેટ્રો સેવાના વિસ્તરણ બાદ મે 2026 સુધીમાં કુલ 13.81 કરોડ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. આજે દર મહિને લાખો વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ પોતાની દૈનિક અવરજવર માટે મેટ્રોને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ આંકડો માત્ર મેટ્રોની વધતી લોકપ્રિયતા જ નહીં, પરંતુ અમદાવાદ-ગાંધીનગરમાં જાહેર પરિવહન ક્ષેત્રે આવેલા પરિવર્તનને પણ પ્રતિબિંબિત કરે છે.
મેગા ઇવેન્ટ્સ દરમિયાન મેટ્રો બની મુસાફરોની પ્રથમ પસંદગી
ગત વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી IPL મેચો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો તેમજ અન્ય મોટા કાર્યક્રમો દરમિયાન લાખો લોકોએ મેટ્રો યાત્રાને પ્રાથમિકતા આપી હતી. 30 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી આઈપીએલ મેચ દરમિયાન 2.26 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 21 મે 2026ના રોજ આયોજિત આઈપીએલ મેચ દરમિયાન 2.22 લાખ અને 18 ફેબ્રુઆરી 2026ના વર્લ્ડ કપ મેચ દરમિયાન 2.21 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ ઉપરાંત, 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન કુલ 4.11 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો.
મેટ્રો નેટવર્કના વિસ્તરણ સાથે રાજ્યનું શહેરી પરિવહન માળખું વધુ મજબૂત બનશે
વડાપ્રધાનશ્રીનું વિઝન એ હતું કે, મેટ્રો મુખ્યત્વે યુવાનો, શાળા-કૉલેજ જતા વિદ્યાર્થીઓ તથા આર્થિક રીતે ઓછી આવક ધરાવતા વર્ગ જે ગીચ વિસ્તારોમાં રહે છે અને શહેરના અન્ય વિસ્તારોમાં કામ કરવા જાય છે તેમને વિશેષ સુવિધા મળે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મેટ્રોનું એલાઇનમેંટ તે પ્રમાણે કરવામાં આવ્યું છે. મુસાફરીની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો નેટવર્કના વિસ્તરણની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ગિફ્ટ સિટી એક્સ્ટેન્શન, ઍરપોર્ટ કનેક્ટિવિટી અને અમદાવાદ મેટ્રો ફેઝ-3 અંતર્ગત કુલ 68 કિલોમીટરથી વધુ નવા કૉરિડોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની મંજૂરી ભારત સરકાર પાસે વિવિધ તબક્કે મંજૂરી હેઠળ છે.
આ વિસ્તરણ પૂર્ણ થયા બાદ મેટ્રો નેટવર્ક શહેરના વધુ વિસ્તારોને આવરી લેશે અને ગુજરાતના આર્થિક તથા શહેરી વિકાસને નવી ગતિ આપશે. આ ઉપરાંત, લગભગ 40 કિમી લાંબા નેટવર્ક અને 38 સ્ટેશનો સાથે સુરત મેટ્રો પ્રોજેક્ટ પણ શહેરની પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે. તાજેતરમાં જ 15 કિમીના માર્ગ પર તેનું ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ થકી રાજ્યમાં આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે. આજે મેટ્રો ગુજરાતના શહેરી વિકાસ અને જનસુવિધાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની ચૂકી છે. નાગરિકોની યાત્રાને વધુ સરળ, ઝડપી અને સુગમ બનાવવાની સાથે મેટ્રો જેવી આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થા ગુજરાતને ‘વિકસિત ભારત’ના સંકલ્પ તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
















Recent Comments