“સ્વસ્થ નાગરિક એ સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે.” આ વિચારને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ ક્રાંતિકારી પહેલો અમલી બનાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ આરોગ્ય સેવાઓને વધુ સુલભ, ગુણવત્તાયુક્ત અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે અનેક યોજનાઓનો લાભ આજે દેશના કરોડો નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. અમરેલી જિલ્લો પણ આ આરોગ્ય પરિવર્તનનો સાક્ષી બન્યો છે.
ડિજિટલ હેલ્થ ક્રાંતિનું મજબૂત પગથિયું એટલે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. આધુનિક યુગમાં ટેક્નોલોજી આરોગ્ય સેવાઓનો અભિન્ન ભાગ બની છે. આ દિશામાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન એક મહત્વપૂર્ણ પગલું છે. આ મિશન અંતર્ગત દરેક નાગરિકને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) નંબર આપવામાં આવે છે, જે વ્યક્તિની ડિજિટલ હેલ્થ આઈ.ડી તરીકે કાર્ય કરે છે.
અમરેલી જિલ્લામાં અત્યારસુધીમાં ૧૩ લાખથી વધુ નાગરિકોની ABHA હેઠળ નોંધણી કરવામાં આવી છે. આ નોંધણી દ્વારા નાગરિકો પોતાના આરોગ્ય સંબંધિત તમામ રેકોર્ડને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખી શકે છે. હોસ્પિટલ, ડૉક્ટર અને દર્દી વચ્ચે આરોગ્ય વિષયક માહિતીનું સરળ અને સુરક્ષિત આદાન-પ્રદાન શક્ય બન્યું છે. પરિણામે સારવારની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક બની છે.
ગરીબ અને મધ્યમવર્ગ માટે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ એટલે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આરોગ્ય ખર્ચને કારણે કોઈ પરિવાર આર્થિક મુશ્કેલીમાં ન મુકાય તેવા ઉમદા હેતુથી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજનાઓમાંની એક છે. જે એક અનોખી સિદ્ધિ છે.
અમરેલી જિલ્લામાં અત્યારસુધીમાં ૭.૩૧ લાખથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ કાર્ડ ધારકોને નિશ્ચિત રકમ સુધીની કેશલેસ સારવારની સુવિધા પ્રાપ્ત થાય છે. ગંભીર બીમારીઓ, સર્જરી અને વિશેષ સારવાર માટે હવે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક ચિંતા કરવી પડતી નથી. હવે, ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓનો લાભ દેશના કરોડો ગરીબ, વંચિતો સુધી સરળતાથી પહોંચી રહ્યો છે. એટલું જ નહીં પણ હવે ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવારની સુવિધાએ આરોગ્ય સેવાને વધુ સમાન અને સર્વસમાવેશક બનાવી છે.
છેવાડાના ગામડાં સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત બની છે. આરોગ્ય સેવાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોને આયુષ્માન આરોગ્ય મંદિરમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૦૭ આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત થયા છે.
આ આરોગ્ય મંદિરોમાં માત્ર સામાન્ય સારવાર જ નહીં, પરંતુ માતા અને બાળ આરોગ્ય, રસીકરણ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બિનચેપી બીમારીઓની તપાસ, માનસિક આરોગ્ય, પોષણ માર્ગદર્શન અને આરોગ્ય જાગૃતિ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય સેવાઓનું મજબૂત કેન્દ્ર બની રહ્યા છે. જેના કારણે લોકોને નાની-મોટી સારવાર માટે દૂર સુધી જવાની જરૂરિયાત હવે ભૂતકાળ બની છે.
કેન્દ્ર સરકરાની સફળતાના છેલ્લા ૧૨ વર્ષની સફળ વિકાસયાત્રા થકી આરોગ્ય ક્ષેત્રે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિઓ માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી. તેની પાછળ લાખો નાગરિકોના જીવનમાં આવેલો સકારાત્મક બદલાવ છુપાયેલો છે. ડિજિટલ હેલ્થ વ્યવસ્થા, આરોગ્ય વીમા સુરક્ષા, વડીલો માટે વિશેષ યોજના અને ગ્રામ્ય સ્તરે મજબૂત આરોગ્ય માળખું – આ તમામ પ્રયાસોએ આરોગ્ય સેવાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી છે.
છેલ્લા ૧૨ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા આ પરિવર્તનો વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. “સ્વસ્થ ભારત”ના વિઝનને સાકાર કરવા માટે અમરેલી જિલ્લો પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. આરોગ્ય સુરક્ષા અને સર્વાંગી સુખાકારી તરફની આ યાત્રા આગામી સમયમાં પણ નવી ઊંચાઈઓ સર કરશે અને જનકલ્યાણની ભાવનાને વધુમાં વધુ મજબૂત બનાવશે.

















Recent Comments