અમરેલી જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદ કરવા તેમજ ‘બાળ અને તરૂણ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬’ ની ચુસ્ત અમલવારી માટે મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી દ્વારા વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકોના હિતો, અધિકારોના રક્ષણ અને તેમના સર્વાંગી વિકાસ માટે સમગ્ર દેશની જેમ અમરેલી જિલ્લામાં પણ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ ચોવીસ કલાક કાર્યરત છે, જે અહીં GVK EMRI સંસ્થા હેઠળ ચલાવવામાં આવી રહી છે. ૦ થી ૧૮ વર્ષના કોઈપણ જરૂરિયાતમંદ બાળકની મદદ માટે આ ટેલીફોનિક ટોલ-ફ્રી સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને આ હેલ્પલાઈન પર બાળક પોતે અથવા તેના વતી અન્ય કોઈ પણ નાગરિક ૨૪ કલાકમાં ગમે ત્યારે મફત કોલ કરીને મદદ મેળવી શકે છે.
જ્યારે પણ કોઈ બાળક ગુમ થયેલ કે મળી આવેલ હોય, બાળક તરછોડાયેલું હોય, તેને તાત્કાલિક આશ્રયની જરૂર હોય કે પછી બાળકને બીમાર કે એકલું જુવો ત્યારે આ હેલ્પલાઈનનો સંપર્ક કરવો. આ ઉપરાંત, ક્યાંય પણ બાળલગ્ન કે બાળ મજૂરી થતી જોવા મળે, બાળકને કોઈ હેરાન કરતું હોય કે તેનું શોષણ થતું હોય અથવા બાળકોને લગતી સરકારની યોજનાઓ વિશે માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે કોઈ પણ જાગૃત નાગરિક ૨૪ કલાક કાર્યરત ઈમરજન્સી ટોલ-ફ્રી ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮નો સંપર્ક કરી શકે છે. આસપાસમાં આવા કોઈ પણ જરૂરિયાતમંદ બાળક નજરે પડે, તો સહેજ પણ ખચકાયા વિના જાગૃત નાગરિક તરીકે ફરજ નિભાવી તાત્કાલિક આ સેવાનો લાભ અમરેલી જિલ્લા શ્રમ વિભાગ દ્વારા જાહેર જનતાને એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.














Recent Comments