ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલી ખાતે તાલીમાર્થીઓમાં ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે “સાયબર સિક્યુરિટી” વિષય પર એક વિશેષ અને મહત્વપૂર્ણ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર અપરાધોથી સુરક્ષિત રહેવા અને ટેકનોલોજીનો યોગ્ય તેમજ આયોજનબદ્ધ ઉપયોગ કરવાના મુખ્ય હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. એમ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ શ્રી મહેશભાઈ હુદડ, કોન્સ્ટેબલ શ્રી જયદેવસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ શ્રી કાજલબેન ગોહિલ અને સાયબર એક્સપર્ટ શ્રી જય ચૌહાણ જેવા સાયબર સુરક્ષા નિષ્ણાતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભવોએ તાલીમાર્થીઓને આધુનિક સમયમાં થતા વિવિધ સાયબર ફ્રોડ, જેવા કે ફિશિંગ એટેક, સોશિયલ મીડિયા હેકિંગ, ઓનલાઇન બેંકિંગ ફ્રોડ અને ફેક ન્યૂઝ વિશે ઊંડાણપૂર્વક અને પ્રેક્ટિકલ માહિતી આપીને જાગૃત કર્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રીએ પણ પ્રેરણાદાયી વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે માત્ર વ્યાવસાયિક કુશળતા મેળવવી પૂરતી નથી, પરંતુ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવી પણ એટલી જ અનિવાર્ય છે. આ ઉપયોગી સેમિનારમાં સંસ્થાના સ્ટાફ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈને માહિતી મેળવી હતી તેમ આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.














Recent Comments