શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી યોગિક ક્રિયાના સાર્વત્રિક મહાત્મ્ય માટે તા.૨૧ જૂનના રોજ સમગ્ર અમરેલી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની શાનદાર ઉજવણી થશે. આ કાર્યક્રમની ઉજવણી માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીઓ અને આયોજન અર્થે અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીએ દિશાદર્શન કર્યું હતું.
યોગ એ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન છે, યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યોગ કાર્યક્રમો યોજાશે. મહત્વનું છે કે, વર્ષ-૨૦૨૬ની ઉજવણીમાં યોગ ફોર હેલ્થી એજિંગ થીમ રહેશે.
તા.૨૧ જૂન, ૨૦૨૬ના રોજ અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ ઉજવણીમાં વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા-શાળાઓ સહિતની જુદાં-જુદાં ક્ષેત્રની ખાનગી સંસ્થાઓ જોડાશે.
જિલ્લાના વિવિધ સ્થળો પર થતી ઉજવણીમાં આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક થી ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને મહાશાળાઓમાં યોગ દિનની ઉજવણી થશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય યોગ શિક્ષક માટે અલગ બેઠક વ્યવસ્થા રહેશે. દિવ્યાંગજનો પણ યોગ દિન ઉજવણી કાર્યક્રમમાં જોડાશે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને, તેમણે કરવાની કામગીરી અંગે જરુરી સૂચન કર્યા હતા. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી, અમરેલી નાકિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી. ગોહિલ, યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, શિક્ષણ, આરોગ્ય, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.














Recent Comments