અમરેલી

સાવરકુંડલાના ગાધકડા ગામે નવનીર્મિત ગ્રામ પંચાયત ભવન અને સરદાર પટેલની પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ

​સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ગ્રામ પંચાયતના નવનીર્મિત ભવન તેમજ ભારત દેશના એકતાના પ્રતીક અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અત્યંત ઉત્સાહભેર અનાવરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

​આ ગૌરવવંત લોકાર્પણ સમારોહમાં માનવ મંદિરના પરમ પૂજ્ય સંત ભક્તિરામ બાપુએ હાજરી આપીને સૌને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તેમજ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને નવનીર્મિત પંચાયત ભવનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ પંચાયત ભવનથી ગ્રામજનો માટે પંચાયત લગતી વિવિધ સુવિધાઓ વધુ ઝડપી અને સરળ બનશે. સાથે જ સરદાર પટેલની પ્રતિમા ગામમાં દેશભક્તિ અને એકતાની પ્રેરણા આપતી રહેશે.

​આ પ્રસંગે ગાધકડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તમામ હોદ્દેદારો, સાવરકુંડલા તાલુકા ભાજપના પદાધિકારીઓ, વિવિધ મોરચાના કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ આવેલ તમામ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Posts