સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ આજે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ અંતર્ગત ઘોઘા તાલુકાના કુડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્યોદ્યોગ
વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક
કિટ અર્પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ બાળવાટિકા ખાતે ૩૬ ભૂલકાઓને રમકડાંની કિટ આપી પ્રવેશ કરાવ્યો
હતો તેમજ ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર ૩૮ વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરી તેમના શૈક્ષણિક જીવનનો
શુભ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી રવિભાઈ જોષીએ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને
શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ
દરેક બાળક અને બાળકી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. રાજ્ય
સરકાર આ અભિયાનને અત્યંત મહત્વપૂર્ણ માને છે અને તેથી જ ઉચ્ચ અધિકારીઓને ગામડાં સુધી મોકલી શિક્ષણ
વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવે છે.
તેમણે દીકરીઓના શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, એક શિક્ષિત દીકરી માત્ર પોતાના
જીવનને જ નહીં, પરંતુ બે પરિવારોના વિકાસને પણ દિશા આપે છે. સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓને
શિક્ષણ અને સમાન તકો ઉપલબ્ધ કરાવવી એ સમયની આવશ્યકતા છે. આજે દીકરીઓ વહીવટી સેવા, સશસ્ત્ર દળો,
વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની
બાબત છે.
શ્રી જોષીએ વાલીઓ અને શિક્ષકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, બાળકોની પ્રતિભા, રસ અને ક્ષમતાને
ઓળખી તેમને યોગ્ય માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે. યોગ્ય તક અને સહયોગ પ્રાપ્ત થાય તો ગ્રામ્ય
વિસ્તારના વિદ્યાર્થીઓ પણ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી શકે છે.
ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય આપણા
બાળકોમાં સમાયેલું છે. આજના નાનાં ભૂલકાઓ જ આવતીકાલે સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા બનવાના છે. રાજ્ય
સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ
પહોંચાડવામાં આવી રહ્યો છે. પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં વાલીઓની ભૂમિકા
પણ એટલી જ અગત્યની છે. વાલીઓ બાળકોને નિયમિત શાળાએ મોકલે, તેમના અભ્યાસમાં રસ લે અને શિક્ષણ
પ્રત્યે પ્રોત્સાહિત કરે તો દરેક બાળક પોતાની પ્રતિભાને ખીલવી શકશે. શિક્ષિત, સંસ્કારી અને સશક્ત બાળકો જ
વિકસિત સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના પાયાના સ્તંભ બનશે,” તેમ જણાવાયું હતું
કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી સન્માનિત
કરવામાં આવ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ બાદ મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
હતો.
આ પ્રસંગે ધોરણ-૬ના વિદ્યાર્થી શ્રી નયન ગોહિલે “વૃક્ષો વાવો, જીવન બચાવો” વિષય પર અને ધોરણ-૭ની
વિદ્યાર્થીની શ્રુતિ કંટારિયાએ “બેટી બચાવો, બેટી ભણાવો” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કુડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ
સોલંકી, શ્રી ભાયાભાઈ ગોહિલ, શ્રી દિનેશભાઈ, શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ રાઠોડ, વિવિધ વિભાગોના
અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, શિક્ષકગણ, એસ.એમ.સી.ના સભ્યશ્રીઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહ્યા હતા.














Recent Comments