અમરેલી

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી, પોલીસ પરેડની વિવિધ ઇવેન્ટ્સમાં આકર્ષણનું કેન્દ્ર બનશે શિસ્તબદ્ધ અને રોમાંચક ‘મહિલા રાયફલ ડ્રીલ’ 

ભારતની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરનારા અમર ક્રાંતિવીરોના બલિદાન અને રાષ્ટ્રભક્તિના વિચારોને કેન્દ્રમાં રાખીને આગામી તા. ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી ખાતે ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી હાથ ધરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહોત્સવના મુખ્ય ધ્વજ વંદન કાર્યક્રમમાં આ વર્ષે સશક્ત નારીશક્તિનો અભૂતપૂર્વ અને દર્શનીય પરચમ જોવા મળશે, જે અંતર્ગત શિસ્તબદ્ધ અને ગરિમાપૂર્ણ રીતે યોજાનારી ‘મહિલા રાયફલ ડ્રીલ’ સમગ્ર દેશભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.  

૧૫મી ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમને યાદગાર અને શ્રેષ્ઠ બનાવવા માટે હાલ અમરેલી ખાતે પોલીસ પરેડ અંતર્ગતની તમામ ઇવેન્ટ્સની સતત અને સઘન પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર શરૂ છે. આ ઉજવણીમાં માતૃભૂમિની રક્ષા કાજે તૈનાત નારીશક્તિની અદ્દભૂત નેતૃત્વ ક્ષમતા અને કૌશલ્યનું પ્રસ્તુતીકરણ કરવામાં આવશે. આ રાયફલ ડ્રીલ અત્યંત રોમાંચક, પ્રભાવશાળી અને દર્શનીય સાબિત થશે, જે પ્રજાજનોમાં વતન પ્રત્યે ગૌરવની લાગણી અને વીરો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જગાડશે.

આ વિશિષ્ટ મહિલા રાયફલ ડ્રીલમાં ગુજરાત પોલીસ તેમજ જેલ પોલીસની ૭૫ મહિલા તાલીમાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે રાયફલ ડ્રીલના વિવિધ ફોર્મેશન પ્રસ્તુત કરવામાં આવશે. આ ડ્રીલ દરમિયાન મહિલા તાલીમાર્થીઓ દ્વારા અત્યંત જટિલ ગણાતી રાયફલ એક્સરસાઇઝ યોજાશે, જેમાં લોખંડી રાયફલને રમકડાની જેમ હાથમાં ફેરવવી, ડ્રીલની સાથે ગ્રાઉન્ડ પર ગોળ સર્કલ બનાવીને અલગ-અલગ મુદ્રાઓ રજૂ કરવી, તેમજ લોખંડી શિસ્ત સાથે એક જ લાઇનમાં ઊભા રહીને અદ્દભૂત તેજી અને સ્ફૂર્તિ સાથે વિવિધ કસરતો પ્રદર્શિત કરવાનો સમાવેશ થાય છે.

આ ભવ્ય મહિલા રાયફલ ડ્રીલનું મુખ્ય અને હૃદયસ્પર્શી આકર્ષણ ઘૂઘવતા સમુદ્રના મોજા જેવી લહેરોનું અદ્ભુત ફોર્મેશન રહેશે, જે વીરાંગનાઓ દ્વારા હાથમાં રાયફલ સાથે ગ્રાઉન્ડ પર અત્યંત સ્ફૂર્તિથી પ્રસ્તુત કરવામાં આવશે.

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આ ઐતિહાસિક રાજ્યકક્ષાની ઉજવણીના માધ્યમથી અમરેલીની પુણ્યભૂમિ પરથી સમગ્ર ગુજરાતમાં દેશભક્તિ, અખંડ રાષ્ટ્રચેતના અને મહિલા સશક્તિકરણનો એક નવો ક્રાંતિકારી સંદેશ પ્રસારિત થશે.

ગુજરાત પોલીસ તેમજ જેલ પોલીસની મહિલા તાલીમાર્થીઓ મુખ્ય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પરેડ ગ્રાઉન્ડ પર સતત સઘન પ્રેક્ટિસ કરી રહી છે. વતનની આન-બાન-શાન કાજે લોખંડી મનોબળ, સ્ફૂર્તિ અને અપ્રતિમ શિસ્ત સાથે મેદાન પર પરસેવો વહાવી રહેલી આ દીકરીઓની સજ્જતાને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે જિલ્લા પોલીસ તંત્ર પૂરી કટિબદ્ધતા સાથે કાર્યરત છે. ક્રાંતિવીરોના વિચારોને સમર્પિત આ આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૧૫મી ઓગસ્ટના મુખ્ય સત્તાવાર કાર્યક્રમમાં જ્યારે આ વીરાંગનાઓ પોતાની લોખંડી રાયફલ સાથે ગ્રાઉન્ડ પર ઉતરશે, ત્યારે તેમનું અપ્રતિમ શૌર્ય જોઈને પ્રત્યેક ગુજરાતીનું હૃદય ગર્વ અને દેશભક્તિના જુસ્સાથી છલકાઈ ઉઠશે.

Related Posts