મહેલ નહોતો તોય ખુમારી
અકબંધ રાખી ગયા,
છ બાય દસની ઓરડીમાં
આખી દુનિયા વસાવી ગયા.
નહોતો પંખો કે નહોતો ત્યાં
કોઈ લાઈટનો ઉજાસ,
પરમ સંતોષના દીવડાથી
અંધારાને હરાવી ગયા.
અડધી રાતે જે ગુંજતો
‘આંબાદાદા ચા આપો’નો સાદ,
એ મીઠા હોંકારાથી આખા
ગામને જગાડી ગયા.
દુનિયા જેને વિચિત્ર કહે
એ મોજમાં મસ્તાન હતા,
સુખ-દુઃખના ભેદથી ઉપર ઉઠી જીવતા શીખવાડી ગયા.
આખરી ઘૂંટડો ચાનો પીધો
ને સફર સમેટાઈ ગઈ,
તાતણીયાના ઇતિહાસમાં
‘શેરખાન’ અમર નામ લખાવી ગયા.
–“પાંધી સર”
“કુછ લોગ જહાઁમેં ઈસ કદર યાદ રહતે હૈ, સીનેમેં જૈસે ચાંદ સિતારે નભમેં…” આ પંક્તિઓ જેને બિલકુલ સાર્થક ઠરે છે તેવા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામના એક અત્યંત સાદા, નિખાલસ અને અનોખી જીવનશૈલી ધરાવતા શેરખાન પઠાણ હાલ તો ફાની દુનિયા છોડીને બીજી આસમાની દુનિયામાં વસે છે. કોઈ હોદ્દા, પદ કે સંપત્તિ વિના પણ માત્ર પોતાના સરળ સ્વભાવના કારણે તેઓ આખા ગામના હૈયામાં આદરભર્યું સ્થાન પામ્યા હતા. તેમના અવસાન સમયે તાતણીયા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
આમ તો તાતણીયાના ગીર વિસ્તારની અનોખી ભાત હતી. જ્યારે પણ તાતણીયાને યાદ કરીએ એટલે *બાલુબાપા ગઢીયા, આંબાભાઈ, વાલજીભાઈ, જગા આતા, ગોપાળજી બાપા, ધનાભાઈ, પતુભાઈ ડોક્ટર, લાલજીભાઈ ડોક્ટર , નટુભાઈ આયા (તલાટી), નંદલાલબાપા અને મોહનદાદા ગોર, રમભાઈ વગેરે પાત્રો નજર સામે તરવરે.* ગીર કાંઠાના આ વિસ્તારમાં નેસડામાંથી સાંઢિયા સાથે પણ તાતણીયા ખાતે ગજબનું હટાણું થતું. ગુંદર, મધ, ઘી, લાકડા જેવી જંગલી પેદાશો સાથે અનેક જાતભાતની પ્રોડક્ટનું સાટું થતું, જેમાં આંબાભાઈની કરિયાણાની દુકાને બાલુબાપા ગઢીયા જેવા લોકોની બેઠક પણ જામતી. જો કે, તાતણીયાના અમુક પાત્રોના જીવનના પાસાઓ વણ અંકાયેલ છે, જેમાં શેરખાન પઠાણનું નામ અગ્રિમ હરોળમાં આવે છે.
શેરખાન પઠાણનું જીવન ગરીબી અને સંઘર્ષની વચ્ચે પણ પરમ સંતોષનું અદ્ભુત ઉદાહરણ હતું. ગામના ચોરા નીચે આવેલી માત્ર ૬ બાય ૧૦ની નાનકડી પથ્થરની ઓરડી જ તેમનું ઘર હતું, જ્યાં ન તો લાઈટની સુવિધા હતી કે ન પંખાની હવા. આ ભૌતિક સુખો વગર પણ તેઓ હંમેશા પરમાનંદમાં રહેતા. *રમુદાદાને ત્યાંથી ત્રણ ટાઈમનું ભોજન, ભરવાડને ત્યાંથી બકરીનું દૂધ અને આંબાદાદાની ચા-ખાંડ—બસ આટલી જ તેમની જિંદગીની મૂડી અને સંતોષ હતો. અડધી રાતે પણ જ્યારે ગામના સન્નાટામાં *”આંબાદાદા… ચા આપો…” એવો તેમનો હોંકારો ગુંજતો,* ત્યારે આખું ગામ સમજી જતું કે શેરખાન હજી જાગે છે.
સુખ-દુઃખથી પર એવી વિચિત્ર પણ માયાળુ જીવનશૈલી
તેમની જીવનશૈલી સામાન્ય માણસ માટે કદાચ આશ્ચર્યજનક અને વિચિત્ર હોઈ શકે. *માથામાં જીવાત પડે તો તેને ફેંકવાને બદલે પરત માથામાં મૂકી દેવી કે ગટરના પાણીથી ચાનું છાલિયું ધોવું*—આ બધું જ દર્શાવે છે કે જીવનની કઠોર પરિસ્થિતિઓએ તેમને સુખ-દુઃખ અને સારા-નરસાના ભેદભાવથી ઘણા ઉપર ઉઠાવી દીધા હતા. દુનિયા ભલે તેમને ન સમજી શકી, પણ ગામ લોકો માટે તેઓ અજાતશત્રુ હતા.
અંતિમ પળો પણ ચાના ઘૂંટડા સાથે સમેટાઈ
તેમ જીવનની અંતિમ પળો પણ ભારે કરુણ સભર રહી. જીવનના છેલ્લા સમયે *ઘનશ્યામભાઈ રૂપારેલે તેમને પ્રેમથી ભોજન કરાવ્યું હતું. વિધાતાનો ખેલ પણ જુઓ કે, તેમના જીવનની આખરી ચા પણ આંબાદાદાના ઘરેથી જ બનીને આવી હતી.* એ ચાના છેલ્લા ઘૂંટડા સાથે જ જાણે શેરખાનના જીવનની સફર સમેટાઈ ગઈ.
શેરખાન પઠાણના અવસાન પર ગામના સ્નેહીઓ દ્વારા એક સુંદર કાવ્યાત્મક શ્રદ્ધાંજલિ પણ આ પ્રકારે અર્પિત કરાઈ :
”નાનકડી ઓરડીમાં એક અનોખી દુનિયા વસાવી ગયા,
શેરખાન પઠાણ પોતાની રીતે બિલકુલ અનોખુ જીવન જીવી ગયા.
ન લાઈટનો અજવાસ, ન પંખાનો સહારો,
તો ય સમયના તાપ સામે સદાયે હસતાં એક ચાના પ્યાલે વિદાય લઈ ગયા…”
આજે શેરખાન પઠાણ આપણી વચ્ચે નથી, પરંતુ ચોરા નીચેની એ સૂની ઓરડી, રાતના સમયે ચા માટે પાડેલી એ સાદ અને ગામની ગલીઓમાં તેમની યાદો હંમેશા જીવંત રહેશે. ગરીબીમાં જીવેલું જીવન ભલે દુનિયા ભૂલી જાય, પણ આવા નિખાલસ માણસની યાદો ગામના ઇતિહાસમાં હંમેશા અમર રહેશે. સમગ્ર તાતણીયા ગામ વતી શેરખાન પઠાણને અશ્રુભીની ભાવવંદના અને શ્રદ્ધાંજલિ.


















Recent Comments