અમરેલી

સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: પ્રથમ વરસાદે જ નાવલી નદી બે કાઠે વહેતી થઈ

સાવરકુંડલા પંથકમાં લાંબા સમયની અસહ્ય ગરમી અને બફારા બાદ આજે મેઘરાજાએ મનમૂકીને હેત વરસાવ્યું છે. મોસમના પ્રથમ સાર્વત્રિક વરસાદના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરી ગઈ છે.

​આ પ્રથમ વરસાદમાં જ શહેરની મુખ્ય નાવલી નદી બે કાઠે વહેતી થઈ છે, જેના મનોહર દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, સ્થાનિક તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેકડેમ પણ મોસમની શરૂઆતમાં જ સંપૂર્ણ ‘હાઉસફુલ’ થઈને છલકાઈ ગયો છે.

​પ્રથમ ગ્રાસે જ મક્ષિકાને બદલે પ્રથમ વરસાદે જ જળાશયોમાં પાણીની આવી ભરપૂર આવક થતાં સ્થાનિક ખેડૂત આલમમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે. ધરતીપુત્રો આગામી વાવણીના કાર્યો માટે અત્યારથી જ ઉત્સાહમાં આવી ગયા છે અને કૃષિ ક્ષેત્ર માટે આ વર્ષ ખૂબ જ આશાસ્પદ અને લાભદાયી રહેશે તેવી આશા સેવાઈ રહી છે.

Related Posts