અમરેલી

અમરેલી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘સેવા જ્યોતિ યાત્રા’ના સમાપન સાથે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’ના સમાપન સમારોહ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહ પરમારના અતિથિ વિશેષપદે યોજાયેલી આ સભામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં નવી દિલ્હીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉદ્બોધન કર્યું હતું. તેમણે સમગ્ર રાષ્ટ્રને ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પોને સાકાર કરવા એકજૂથ થવા હાકલ કરી હતી. તેમણે “વી વિલ ડુ ઈટ”નો નારો આપીને સામૂહિક પ્રયાસો કરવા અપીલ કરી હતી.

સભાને સંબોધતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. નાની વયથી જ રાષ્ટ્રસેવાને જીવનનું ધ્યેય બનાવનાર વડાપ્રધાનશ્રીએ આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે. તેમના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘સેવા જ્યોતિ યાત્રા’ના સમાપન પ્રસંગે અમરેલીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પદયાત્રા અને બાઇક યાત્રાના વિવિધ રૂટ પરથી પસાર થઈ યાત્રા અહીં પૂર્ણ થઈ છે. અમરેલીની ઐતિહાસિક ધરતીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજભાઈ મહેતા પણ અમરેલીની પાવન ધરતી સાથે જોડાયેલા હતા.

શ્રી મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમેરિકા, રશિયા, ચીન, જાપાન કે જર્મની જેવા દેશોની મુલાકાતે ભારતના વડાપ્રધાનશ્રી જાય ત્યારે વિશ્વભરમાં તેની નોંધ લેવાય છે. ભારતને વૈશ્વિક મંચ પર મળતું મહત્વ અને સન્માન એ દેશના વધતા પ્રભાવનું પ્રતિબિંબ છે.

‘સેવા જ્યોતિ’ના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યોત એટલે પ્રકાશ અને આ જ્યોત વિશ્વાસ તથા વિકાસનો પ્રકાશ છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક વર્ગ વિકાસની મુખ્યધારામાં જોડાય તે દિશામાં કામગીરી થઈ રહી છે.

તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને આવાસ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કરોડો લોકોને મફત અનાજ તથા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ. ૬,૦૦૦ની સહાય મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના માધ્યમથી મહિલાઓને ધુમાડામુક્ત રસોડાની સુવિધા મળી છે અને પરંપરાગત ચૂલાના ધુમાડાથી થતી તકલીફોમાંથી મહિલાઓને રાહત મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્ય દંડક શ્રી મકવાણાએ અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યો અને સાંસદશ્રી દ્વારા સામૂહિક પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ‘રંગ કસુંબલ’ ડાયરો પણ યોજાયો હતો.

નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહ પરમાર સહિતના મહાનુભાવોએ મશાલ પ્રજ્વલિત કરી હતી. ત્યારબાદ અમરેલી શહેરના મુખ્ય માર્ગો પરથી વિકાસ જ્યોતિ યાત્રા અને પદયાત્રા પસાર થઈ હતી, જેનું કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, ધારી-ખાંભા-બગસરાના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ શ્રી વૈશાલીબહેન માંગરોળિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુ ભગત, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી અતુલ કાનાણી, શ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસવડા શ્રી સંજય ખરાત, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. જે. જાડેજા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, આગેવાનો તથા જિલ્લામાંથી આવેલા સેવા યાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts