અમરેલી

સાડા ત્રણ દાયકાની નિષ્ઠાસભર સેવાને સલામ : જિલ્લા માહિતી કચેરીના બે કર્મયોગીઓને ભાવભીની વિદાય

એવું કહેવાય છે કે, અંત નથી આરંભ છે વિદાય… સરકારી સેવામાં વર્ષો સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને કર્તવ્યપરાયણતાથી ફરજ બજાવનાર કર્મચારીઓની વિદાય કોઈ એક વ્યક્તિની નિવૃત્તિ નહીં, પરંતુ સંસ્થાની અમૂલ્ય કાર્યયાત્રાના એક યાદગાર અધ્યાયનું સમાપન હોય છે. આવી જ ભાવસભર ક્ષણ અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે સર્જાઈ હતી, જ્યારે કચેરીના કર્મયોગી શ્રી બી.ડી. પાથર અને શ્રી એમ.વી. રાઠોડને જિલ્લા માહિતી કચેરી, અમરેલીના પરિવાર દ્વારા કચેરીના પ્રાંગણમાં કચેરી સમય બાદ વયનિવૃત્તિ નિમિત્તે લાગણીસભર વિદાય આપવામાં આવી.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી પ્રિયંકા પરમારે બંને કર્મયોગીઓને શ્રી ફળ અને શાલ ઓઢાડીને તેમની દીર્ઘ અને નિષ્ઠાપૂર્વકની સરકારી સેવાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, સરકારી સેવામાં કર્મનિષ્ઠા, સમયપાલન અને જવાબદારીની ભાવનાથી કરાયેલું કાર્ય હંમેશા પ્રેરણારૂપ બની રહે છે. શ્રી બી.ડી. પાથરે માહિતી વિભાગમાં ૩૫ વર્ષ અને શ્રી એમ.વી. રાઠોડે ૩૩ વર્ષ સુધી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી માહિતી વિભાગની કામગીરીને ગતિ અને ગુણવત્તા આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની કાર્યશૈલી, સહકારની ભાવના અને અનુભવથી અનેક સહકર્મીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું.

જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ બંને વયનિવૃત્ત કર્મયોગીઓ સાથે જોડાયેલી સંસ્મરણો વહેંચી તેમના કાર્યજીવનને યાદગાર ગણાવ્યું હતું. સૌએ તેમના સ્વસ્થ, સુખમય અને આનંદમય નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન લાગણી અને કૃતજ્ઞતાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. વર્ષો સુધી એક પરિવારની જેમ સાથે કાર્ય કરનાર સહકર્મીઓ માટે આ વિદાયની ક્ષણ ભાવવિભોર બનાવનારી બની હતી. સેવા પૂર્ણ થઈ છે, પરંતુ તેમની કર્મનિષ્ઠા, સાદગી અને કાર્યપ્રત્યેનું સમર્પણ જિલ્લા માહિતી કચેરી માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

આ પ્રસંગે માહિતી પરિવાર વતી શ્રી એમ.એમ.ધડૂક, શ્રી ધર્મેશ વાળા, શ્રી જય મિશ્રા, શ્રી જાગૃત્તિ પીઠવા, શ્રી દિક્ષિત પંડ્યા, શ્રી માનસી ભટ્ટ, શ્રી ચિરાગ માલનિયા, શ્રી મયૂર ગોસાઈ, શ્રી વિશાલ ગોસ્વામી, શ્રી શિંગાળાએ લાગણી સભર વિદાય આપી હતી. જ્યારે જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અને મૂળ માહિતી પરિવાર અમરેલીના શ્રી રોહિત ઉસદડે સ્નેહસભર લાગણી વ્યક્ત કરી હતી.         

Related Posts