ઉપદેશ બીજાને આપવો બહુ સહેલો લાગે છે,
અમલ પોતાની વાત પર કરવો
કેમ અઘરો લાગે છે?
પ્રજાના ટેક્સના પૈસે જેઓ તાગડધિંના કરે છે,
એ જ ‘કરકસર’ કહે ત્યારે જનતાને ઝેર લાગે છે.
–“પાંધી સર”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો કરવા માટે પોતાના કાફલામાં પચાસ ટકા ગાડીઓ ઘટાડવાનો જે નિર્દેશ આપ્યો છે, તેને લઈને રાજકીય ગલિયારાઓમાં પ્રશંસા થઈ રહી છે. પીએમએ ઈલેક્ટ્રિક વાહનોના વપરાશ પર ભાર મૂક્યો છે પણ તિજોરી પર બોજ ન પડે તે માટે નવી ગાડીઓ ન ખરીદવાની પણ સ્પષ્ટતા કરી છે. જોકે, આ જાહેરાત બાદ સાવરકુંડલાની જનતામાં કંઈક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે.
ચૂંટણીઓ અને રોડ-શો વખતે સંયમ ક્યાં જાય છે?
શહેરના પેટ્રોલ પંપો પર ઈંધણ પુરાવવા આવેલા લોકોમાં સરકારની આ સલાહ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હોય છે ત્યારે અનેક રેલીઓ અને વાહનોનો બેફામ ઉપયોગ થાય છે. પશ્ચિમ બંગાળ હોય કે હૈદરાબાદ, નેતાઓ જ્યારે જનતાને પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલનો વપરાશ ઘટાડવાની સલાહ આપે છે, તેના બીજા જ દિવસે ભવ્ય સ્વાગત સમારોહ અને રોડ-શોમાં સરકારી તંત્ર દ્વારા જ ઈંધણનો ધુમાડો કરવામાં આવે છે.!! પત્રકારો સામે લોકોએ અણિયાળા સવાલો કર્યા હતા કે આ બધી શિખામણ માત્ર સામાન્ય જનતા માટે જ કેમ?
યુવા ધનનો મત: પરિવર્તન ઉપરથી શરૂ થવું જોઈએ
હાથસણી રોડ પર આવેલી આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથેની વાતચીતમાં પણ આ જ સૂર સંભળાયો હતો. જોકે, આ યુવાનો પોતે પણ ક્રિકેટ રમવા માટે બાઇક કે સ્કૂટર લઈને આવ્યા હતા. જ્યારે તેમને સાયકલના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બચાવ કર્યો કે ‘ચાલતા આવીએ તો થાકી જવાય’. પરંતુ, આ યુવાનોનો મુખ્ય મુદ્દો એ હતો કે પ્રધાનમંત્રીએ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવાની સાથે-સાથે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ જે જનતાના ટેક્સના પૈસે ‘તાગડધિંના’ કરે છે, તેમના પર લગામ કસવી જોઈએ.
લોકોનો મુખ્ય રોષ ‘વીઆઈપી કલ્ચર’ સામે છે. સામાન્ય માણસને મોંઘવારી નડે છે, ત્યારે નેતાઓ અને અધિકારીઓ અઠવાડિયા સુધી આ કરકસરના નિયમો પહેલા પાળી બતાવે અને પછી લોકોને સલાહ આપે તેવી માંગ ઉઠી છે. જોકે, હકીકત એ પણ છે કે લોકો અંગત ચર્ચામાં તો ઘણો બળાપો કાઢે છે, પરંતુ જ્યારે કેમેરા સામે આવીને બોલવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો પાછીપાની કરતા જોવા મળે છે. આપડે ઈચ્છીએ કે આ વીઆઈપી કલ્ચર માત્ર વૈશ્વિક પરિસ્થિતિ ડામાડોળ છે ત્યાં સુધી જ નહિ પરંતુ આ વીઆઇપી કલ્ચર સદાય માટે નાબુદ કરી એક સમરસ સમાજનું નિર્માણ કરીને સમગ્ર વિશ્વને એક નવો રાહ દેખાડીએ કે જૂઓ અમે આ બાબતે પણ વિશ્ર્વ ગુરૂ છીએ.










Recent Comments