મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂંક મેળવેલા 2300થી વધુ યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.
રાજ્ય સરકારે 21 જેટલી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની કરેલી અભિનવ પહેલો અને નવી કચેરીઓના લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ-તલાટીને મહેસૂલ તંત્રની કરોડ રજ્જુ અને ગામડાના વહિવટનો આધારસ્તંભ ગણાવતાં નવી નિમણૂંક મેળવી રહેલા યુવાઓને આહવાન કર્યુ કે, એવી પ્રજાહિતકારી કાર્ય પદ્ધતિ તેઓ અપનાવે કે ખરેખર તકલીફમાં જે વ્યક્તિ છે તેનું કામ સરળતાએ પાર પડી જાય. આવા જરૂરતમંદ વ્યક્તિનો થતો સંતોષ અને તેના આશીર્વાદ એ ઈશ્વરના આશીર્વાદ સમાન છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રેવન્યુ તલાટી તરીકે ગ્રામજનોના અનેક પ્રશ્નો કે સમસ્યાઓ સ્થાનિક સ્તરે જ નિવારવાનું તેમનું દાયિત્વ હોવું જોઈએ. એટલુ જ નહિ, જે કંઈ પણ કામ થાય તે એવું વ્યવસ્થિત અને પદ્ધતિસરનું થાય કે મહેસૂલ વિભાગમાં કે સરકારમાં પણ તે કામને કારણે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઉભા ન થાય.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, તલાટી પાસે આવતા લોકોની અપેક્ષાઓ એજ હોય છે કે તેનું કામ ઝડપી અને સરળતાએ થઈ જાય એટલે તલાટીએ હંમેશા સામેની વ્યક્તિમાં પોતાની જાતને મૂકીને કામગીરીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
ધર-પરિવાર અને સમાજને ગૌરવ થાય તેવી કાર્યપ્રણાલીથી હંમેશા કાર્યરત રહેવા મુખ્યમંત્રીશ્રીએ નવ નિયુક્ત તલાટીઓને શિખ આપી હતી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત-2047નો જે સંકલ્પ કર્યો છે તેને આ નવ નિયુક્ત યુવાઓ વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
નવી મહેસૂલી સેવાઓનું લોંચીંગ
મુખ્યમંત્રીશ્રીએ જે નવી મહેસૂલી સેવાઓનું લોકાર્પણ કર્યુ તેમાં REVA: Revenue Voice and Assistance
QR Code આધારિત ફીડબેક સિસ્ટમ અન્વયે મહેસુલી તંત્રની તમામ કચેરીઓ જેમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, સબ-રજીસ્ટ્રાર કચેરી, DILR કચેરી અને મામલતદાર કચેરીની સેવાઓ માટે QR Code મુકીને નાગરીકોના પ્રતિભાવો મેળવવાની Centralized system “REVA : Revenue Voice and Assistance” શરૂ કરવામાં આવી છે.
આ સિસ્ટમથી કચેરીમાં ઉપલબ્ધ કરવામા આવતી સુવીધાઓ તથા કચેરીના સ્ટાફના વર્તન અંગેના પ્રતિભાવો નાગરિકો પાસેથી મેળવવામાં આવશે અને તેમને આપવામાં આવતી સેવાઓમાં વધુ સુધારો લાવવામાં તે ઉપયોગી બનશે.
IRCMS – ઇંટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં ઇ-ફાઇલીંગની નવી સુવિધા
પહેલા IRCMS ખાતે તમામ રેવન્યુ કચેરીમાં મેન્યુઅલી રેવન્યુ કેસ દાખલ થતા હતા. તે પદ્ધતિમાં ફેરફાર લાવીને હવે E-filing થી અરજદારો ઘરબેઠાં જ રેવન્યુ કેસ દાખલ કરી શકશે. પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે. તથા સરળતાથી ઓછા સમયમાં કેસ દાખલ કરી શકાશે અને કેસના દરેક તબક્કાને રીયલ ટાઇમ ટ્રેક કરી શકાશે. કેસ પૂર્ણ થયા બાદ અરજદારને તરત જ ઓનલાઇન હુકમ મળી શકશે.
આ પદ્ધતિ શરૂ થવાથી સમગ્ર રાજ્યની તમામ કચેરીઓમાં કામગીરીમાં એકસૂત્રતા જળવાઇ રહેશે અને ઇ-ફાઇલીંગની સુવિધાથી માત્ર અરજદારોને જ નહી પરંતુ તમામ મહેસુલી કચેરીઓમાં ચાલતા વિવિધ મહેસુલી કેસોનાં વ્યવસ્થાપનમાં પણ સરળતા અને ત્વરીતતા આવશે.
સિટી સર્વે નકશાઓને જીઓ રેફરન્સિંગ માટે સર્વે ઓફ ઈન્ડિયા સાથે MoU
રાજ્યના સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ અને ભારત સરકારના એડિશનલ સર્વેયર જનરલ શ્રી એમ.સી. ગોર વચ્ચે સિટી સર્વે નકશાઓને જીઓ રેફરન્સિંગ માટે સર્વે ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર–MOU કરવામાં આવ્યા હતા.
મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પારદર્શી પ્રક્રિયાના પરિણામે મહેસૂલી વહીવટના પાયાના સ્તંભ તરીકે નિમણૂક પત્ર મેળવી રહેલા ઉમેદવારોના જીવનમાં આજે નવા અધ્યાયની શરૂઆત થઈ છે. અગાઉ ખાલી રહેલી જગ્યાઓ મોટા પ્રમાણમાં ભરાતા હવે વહીવટી ક્ષમતા બમણી થશે અને ગામડાઓ સુધી મહેસૂલી સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે પહોંચશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે મહેસૂલી તલાટીનો સ્વતંત્ર સંવર્ગ અસ્તિત્વમાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નવનિયુક્ત કર્મયોગીઓને અભિનંદન પાઠવવા મંત્રીશ્રીએ કહ્યું કે, મહેસૂલી તલાટી એ રાજ્ય સરકારનો એવો પાયાનો અધિકારી છે જેનો પ્રથમ અને સૌથી નજીકનો સંપર્ક રાજ્યના સામાન્ય નાગરિક, ગરીબ અને ખેડૂત સાથે થાય છે. ગામડાનો સામાન્ય માણસ નાની-મોટી જરૂરિયાતો માટે સૌથી પહેલા તલાટી પાસે આવે છે. તેથી કર્મચારીઓના વર્તન, નિર્ણય, ભાષા અને કાર્યશૈલી પરથી જ નાગરિકો આખી સરકારની કાર્યપદ્ધતિ અને નિયતનો અનુભવ કરે છે. તેમની સાથે સદવ્યવહાર કરવામાં આવશે તો શાસન વ્યવસ્થા પર નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.
તેમણે કહ્યું હતું કે તલાટી જે કાગળ પર સહી કરે છે તે માત્ર સામાન્ય દસ્તાવેજ નથી પરંતુ નાગરિકના અધિકાર, ખેડૂતોના વિશ્વાસ અને રાજ્યના વિકાસની પ્રક્રિયાઓનો પાયાનો આધાર છે. કર્મચારીઓની નાની ભૂલ ગરીબને મુશ્કેલીમાં મૂકી શકે છે અને એક હકારાત્મક નિર્ણય કોઈના જીવનમાં આશાનો દીપ પ્રગટાવી શકે છે.
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે નવ નિયુક્ત મહેસૂલી તલાટીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આપ સૌની પસંદગી કોઈ વગ, લાગવગ કે ભલામણના જોરે નહીં, પરંતુ માત્રને માત્ર આપની ક્ષમતા, સખત પરિશ્રમ અને મેરિટના આધારે થઈ છે, જે આપ સૌ માટે અત્યંત ગૌરવની બાબત છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામીણ સ્તરે આજે પણ ‘તલાટી’નું પદ ખૂબ જ આદરણીય અને જવાબદારીભર્યું ગણાય છે. સમય ભલે ગમે તે બદલાયો હોય, પરંતુ જમીનનું વ્યવસ્થાપન અને મહેસૂલી વહીવટ હંમેશા શાસન તેમજ વહીવટીતંત્રના કેન્દ્ર સ્થાને રહ્યા છે. તેથી, નવનિયુક્ત તલાટીઓએ આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ.
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જમીન પ્રશાસનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના વિકાસ કાર્યો જમીન વિના શક્ય નથી. આથી, ગામના જમીન રેકોર્ડ ૧૦૦ ટકા સચોટ અને ક્ષતિરહિત રાખવા તેમજ સરકારી જમીનો, ગૌચર કે તળાવો પર થતા ગેરકાયદેસર દબાણો અટકાવી તેની ચુસ્ત દેખરેખ રાખવાની મુખ્ય જવાબદારી આપ નવનિયુક્ત તલાટીશ્રીઓની રહેશે.
મહેસૂલ વિભાગ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ૨,૩૮૯ મહેસૂલ તલાટીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સતત પ્રયાસોના પરિણામે આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ગામના નાગરિકોને વધુ સારી સેવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ તલાટીનો જોબ ચાર્ટ પણ નક્કી કરાવ્યો છે. ગામમાં તલાટી એ સરકારનો ચહેરો છે. તલાટીએ ગામમાં જમીનને લગતા અગત્યના દસ્તાવેજો, ચૂંટણી, ગણતરી જેવી મહત્વની સેવાઓ- કામગીરી કરવાની હોય છે ત્યારે આપ સૌ નવનિયુક્ત કર્મયોગીઓ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કાર્ય કરશો તેવી અપેક્ષા છે.
મહેસૂલ તલાટીની પારદર્શક તેમજ ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ સંલગ્ન તમામ વિભાગોને શ્રી રવિએ આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષાર ધોળકિયા, મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત નિમણૂક પામનાર મહેસૂલી તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓમાંથી પદાધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રીઓ સહિત નવનિયુક્ત મહેસૂલી તલાટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ શ્રી સચિન પટવર્ધને આભારવિધિ કરી હતી.

















Recent Comments